
1995માં જાપાનના કોબેમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં 6,434 લોકોના મોત થયા હતા. હજારો મકાનો અને ઈમારતો નાશ પામી હતી. ભૂકંપને કારણે આટલું જ નુકસાન નહોતુ થયું, આ ભૂકંપના કારણે જાપાનની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતા સાથેના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું. આવું શા માટે થયું તેનો જવાબ મેળવવા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ઇમારતોની સલામતી અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તપાસના તારણોનાં આધારે જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું હતું.

26 જાન્યુઆરી 2001: વર્ષ 2001માં જ્યારે આખો દેશ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતનું ભુજ ભૂકંપની તબાહીનો સામનો કરી રહ્યું હતું. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના કારણે 12 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 4 લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. ભલે તે ભૂકંપ ગુજરાતમાં આવ્યો હોય, પરંતુ તેની તીવ્રતાએ સમગ્ર દેશને ડગમગાવી દીધો હતો.

12 જાન્યુઆરી, 2010: કેરેબિયન દેશ હૈતીમાં 12 જાન્યુઆરી, 2010ના રોજ ભૂકંપ આવ્યો હતો. અહીં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા ધરાવતા ભૂકંપે એટલી તબાહી મચાવી હતી કે લગભગ 2 લાખ લોકોના મોત થયા હતા. 3 લાખ લોકો ઘાયલ થયા અને 1.5 લાખ લોકો બેઘર બન્યા. હૈતીમાં આવેલા ભૂકંપની ગણતરી આ સદીના સૌથી વિનાશક ધરતીકંપોમાં કરવામાં આવી હતી. આ ભૂકંપમાં રાષ્ટ્રપતિ ભવન, નેશનલ એસેમ્બલી બિલ્ડિંગ, પોર્ટ-ઓ-પ્રિન્સ કેથેડ્રલ અને મુખ્ય જેલને નુકસાન થયું હતું. માનવતાવાદી સહાય માટે ઘણા દેશોને અપીલ કરવામાં આવી હતી અને હોપ ફોર હૈતી નામના કાર્યક્રમ દ્વારા $58 મિલિયન એકત્ર કરવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ ભૂકંપ પીડિતોની મદદ માટે થતો હતો.

ભૂકંપ અને જાન્યુઆરી વચ્ચે શું સંબંધ છે? જાન્યુઆરીમાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીને જોતા સવાલ એ થાય છે કે શું ખરેખર ભૂકંપને જાન્યુઆરી સાથે કોઈ સંબંધ છે? જવાબ એ છે કે ધરતીકંપો સીધો જાન્યુઆરી સાથે સંબંધિત નથી કારણ કે તે પૃથ્વીની પ્લેટોની હિલચાલ અને તણાવને કારણે થાય છે. જો કે, એવું પણ માનવામાં આવે છે કે જે વિસ્તારોમાં વધુ ઠંડી હોય છે, ત્યાં હિમવર્ષા અને ભારે ઠંડીના કારણે ફોલ્ટ લાઇન પર વધુ તણાવ રહે છે. જ્યારે અહીં બરફ પીગળે છે, ત્યારે સિસ્મિક પ્રવૃત્તિ થઈ શકે છે. આને મોસમી તણાવ ચક્ર પણ કહેવામાં આવે છે.