
ATM મશીન પર ધાતુના બટન માત્ર તેની મજબૂતી કે ટકાઉપણાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા નથી, પરંતુ તે તમારા ATM કાર્ડના ગુપ્ત PIN નંબરને સુરક્ષિત રાખવા માટે એક અભેદ્ય કવચ તરીકે કામ કરે છે. રોજિંદા જીવનમાં અવારનવાર એટીએમમાંથી નાણાં ઉપાડતા મોટાભાગના લોકો પણ એ વાતથી અજાણ હોય છે કે આ મેટલ કીપેડ તેમના બેંક એકાઉન્ટને સાયબર ફ્રોડથી કેવી રીતે બચાવે છે.

જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો કોઈપણ એટીએમ મશીનમાં જ્યાં પિન દાખલ કરવામાં આવે છે તે કીપેડ રબર કે પ્લાસ્ટિકનું નથી હોતું, પરંતુ હંમેશા ધાતુનું જ હોય છે. જો એટીએમ મશીન પર પ્લાસ્ટિક કે રબરના બટન લગાવવામાં આવે, તો છેતરપિંડી કરનારાઓ થર્મલ ટેકનોલોજીની મદદથી તમારા ગુપ્ત પિનનો સરળતાથી અંદાજ લગાવી શકે છે.

ATM મશીન પર કેમ નથી હોતા રબર કે પ્લાસ્ટિકના બટન?: માનવ આંગળીઓમાં કુદરતી શારીરિક ગરમી (બોડી હીટ) હોય છે. જ્યારે આપણે કોઈપણ સપાટીને, ખાસ કરીને રબર કે પ્લાસ્ટિકને સ્પર્શીએ છીએ, ત્યારે આપણા શરીરની ઉષ્મા તે સપાટી પર થોડીક સેકન્ડો માટે જળવાઈ રહે છે. જો એટીએમ મશીન પર પ્લાસ્ટિક કીપેડ હોય, તો તમારા ગયા પછી તરત જ સ્કેમર્સ થર્મલ કેમેરાની મદદથી સમજી શકે છે કે તમે કયા કયા બટન દબાવ્યા હતા.

હીટ સિગ્નેચરથી PIN ચોરી થવાનું જોખમ: આ પ્રકારના ફ્રોડ માટે સ્કેમર્સ થર્મલ કેમેરાનો ઉપયોગ કરે છે, જે માનવ આંગળીઓ દ્વારા છૂટેલી ઉષ્મા (હીટ સિગ્નેચર) ને સરળતાથી સ્કેન કરી લે છે. થર્મલ કેમેરા ગરમીના સ્તરને સ્ક્રીન પર વિવિધ રંગોથી દર્શાવે છે; જ્યાં જેટલી વધુ ગરમી હોય તે ભાગ સ્ક્રીન પર વધુ ઘેરા લાલ કે પીળા રંગમાં દેખાય છે. જે બટન સૌથી વધુ ગરમ કે લાલ દેખાય, તેનો અર્થ એ થાય કે તે બટન સૌથી છેલ્લે દબાવવામાં આવ્યું હતું. આ રીતે હીટ સિગ્નેચરના તાપમાનના આધારે સ્કેમર્સ તમારા 4 આંકડાના PIN નો ચોક્કસ ક્રમ જાણી લે છે અને પળભરમાં ખાતું ખાલી કરી શકે છે.

ધાતુના (મેટલ) બટન કેવી રીતે રોકે છે ફ્રોડ? મેટલ બટન આ હીટ સિગ્નેચરની સમસ્યાને મૂળમાંથી ખતમ કરી દે છે. વાસ્તવમાં ધાતુ ઉષ્માનું ઉત્તમ વાહક (Excellent Thermal Conductor) છે, જેથી તે કોઈપણ ગરમીને પકડી રાખતી નથી. જ્યારે તમે મેટલ બટન પર પિન એન્ટર કરો છો, ત્યારે ધાતુ તમારી આંગળીઓની ગરમીને સપાટી પર રોકી રાખવાને બદલે તેને ચારેય તરફ ફેલાવીને તરત જ ઠંડી કરી દે છે.

આંગળી હટાવતાની સાથે જ મેટલ બટન સેકન્ડના દસમા ભાગમાં સામાન્ય તાપમાન પર આવી જાય છે. પરિણામે થર્મલ કેમેરા પણ એ જાણી શકતો નથી કે તમે કયા બટન દબાવ્યા હતા અને કયા ક્રમમાં દબાવ્યા હતા. આ જ ટેકનિકલ કારણથી વિશ્વભરના એટીએમ મશીનોમાં માત્ર મેટલ કીપેડ જ લગાવવામાં આવે છે.