એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈના બાંદ્રામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.હાલમાં સમગ્ર મામલે પોલીસે 2 શૂટરોની ધરપકડ કરી લીધી છે. જાણકારી મુજબ આ ઘટના બાબા સિદ્દીકીના દિકરા અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસ બહાર બની છે. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી થોડા મહિના પહેલા એનસીપીમાં સામેલ થયા હતા.
જાણકારી મુજબ બાબા સિદ્દીકી એક સમયે મુંબઈમાં ઘડિયાળ બનાવતા હતા. ધીમે ધીમે ઘડિયાળ બનાવવાથી લઈ ધારાસભ્ય અને મંત્રી બન્યા હતા. તેમનો દિકરો જીશાન સિદ્દીકી હાલમાં બાંદ્રા ઈર્સ્ટથી કોંગ્રેસના ધારાસભ્ય હતા.
બાબા સિદ્દીકીએ પોતાની રાજકીય ઈનિગ્સની શરુઆત મુંબઈની એક કોલેજમાં વિદ્યાર્થી નેતાના રુપે કરી હતી. ત્યારબાદ તે 2 વખત કોર્પોરેટર પણ રહી ચૂક્યા હતા. તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો અને વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી વિધાનસભા ચૂંટણી જીતી. વર્ષ 2014ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
બાબા સિદ્દીકી મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો અગ્રણી ચહેરો હતો. કોંગ્રેસ-એનસીપી ગઠબંધન દરમિયાન તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીનું પદ સંભાળી ચુક્યા છે.
એનસીપીમાં સામેલ થતાં પહેલા અંદાજે 48 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા. એટલા માટે કોંગ્રેસ છોડવાનો તેમના નિર્ણયે સૌને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ એનસીપીનો હાથ પકડ્યો હતો. બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એથોરિટીના મુંબઈ ડિવિઝનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
દર વર્ષે ઈદ પર બાબા સિદ્દીકીની ઈફતાર પાર્ટી ચર્ચામાં રહેતી હતી. જેમાં ટીવી -ફિલ્મ જગતની સેલિબ્રિટી સામેલ થતી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન,શાહરુખ ખાન જેવા સુપરસ્ટારના નામ પણ સામેલ છે. બાબા સિદ્દીકી રાજનીતિમાં સક્રિય રહેવાની સાથે બિલ્ડર તરીકે પણ કામ કર્યું હતું.
Published On - 7:19 am, Sun, 13 October 24