
શું તમારી પાસે 10 લાખ રૂપિયાની એકસાથે (લમ્પસમ) રકમ છે અને તમે તેને રોકાણ કરવા માંગો છો? હવે આમાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, પૈસા કેટલા સમય માટે રોકવા જોઈએ અને કઈ જગ્યાએ રોકવા જોઈએ? જણાવી દઈએ કે, 1 વર્ષના લક્ષ્ય માટે તમારી રણનીતિ અલગ હશે, જ્યારે 5 કે 10 વર્ષના રોકાણમાં વધુ ગ્રોથ આપતા વિકલ્પ પર વિચાર કરી શકાય છે. આવી સ્થિતિમાં રોકાણનો સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતા (રિસ્ક કપેસિટી) મુજબ 10 લાખ રૂપિયાનો સાચો પ્લાન કેવી રીતે બનાવવો?

જો તમને આગામી એક વર્ષની અંદર જ પૈસાની જરૂર પડી શકે છે, તો પૂરી રકમ શેરબજાર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકવી જોખમી બની શકે છે. શોર્ટ ટર્મમાં બજારમાં મોટો ઘટાડો આવવા પર રોકાણનું મૂલ્ય ઘટી શકે છે અને જરૂર પડવા પર તમારે નુકસાનમાં પૈસા ઉપાડવા પડી શકે છે. આવા લક્ષ્ય માટે બેંક FD, લિક્વિડ ફંડ કે ઓછા સમયગાળા વાળા ડેટ વિકલ્પ પર વિચાર કરી શકાય છે. અહીં સૌથી વધુ ધ્યાન કેપિટલની સુરક્ષા અને પૈસાની તરલતા (મની અવેલેબિલિટી-Liquidity Of Money) પર હોવું જોઈએ, વધુ રિટર્ન કમાવવા પર ધ્યાન ન હોવું જોઈએ.

ત્રણ વર્ષનો સમયગાળો એક વર્ષ કરતાં ચોક્કસપણે વધુ છે પરંતુ તેને ખૂબ લાંબો સમયગાળો માની શકાય નહીં. તેથી આ ટાર્ગેટ માટે પૂરેપૂરી 10 લાખ રૂપિયાની રકમ ઇક્વિટીમાં રોકવી દરેક રોકાણકાર માટે યોગ્ય ન હોઈ શકે. ઓછું જોખમ લેનારા રોકાણકારો ડેટ આધારિત વિકલ્પોને વધુ મહત્વ આપી શકે છે, જ્યારે થોડું જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો પોર્ટફોલિયોમાં મર્યાદિત ઇક્વિટી એક્સપોઝર રાખી શકે છે. ત્રણ વર્ષના ટાર્ગેટમાં રોકાણ કરતી વખતે માત્ર જૂના રિટર્નના આધારે કોઈ ફંડ કે સ્કીમની પસંદગી કરવાથી બચવું જોઈએ.

પાંચ વર્ષના રોકાણના સમયગાળામાં રોકાણકાર પાસે બજારના ઉતાર-ચઢાવને સંભાળવા માટે વધુ સમય હોય છે. આવી સ્થિતિમાં રિસ્ક કૅપેસિટી અનુસાર, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોને પોર્ટફોલિયોમાં એડ (Add) કરી શકાય છે. હવે આનો અર્થ એ નથી કે, પૂરી રકમ ઇક્વિટીમાં રોકવી જરૂરી છે. ડેટ અને ઇક્વિટી વચ્ચે સંતુલન બનાવીને પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે. જો એકસાથે રોકાણ (વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ) કરતી વખતે બજારની સ્થિતિને લઈને ચિંતા હોય, તો કેટલાક રોકાણકારો રકમને તબક્કાવાર રીતે (સ્ટેપ વાઈઝ) રોકી શકે છે.

જો 10 લાખ રૂપિયાની જરૂર આગામી 10 વર્ષ સુધી નથી, તો રોકાણની રણનીતિ લોંગ ટર્મ હિસાબે બનાવી શકાય છે. લોંગ ટર્મમાં બજારના શોર્ટ ટર્મના ઘટાડાને સંભાળવાનો સમય મળે છે અને કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળી શકે છે. આ પ્રકારના ટાર્ગેટ માટે રિસ્ક ક્ષમતા અનુસાર ડાયવર્સિફાઈડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય ઇક્વિટી આધારિત વિકલ્પો પર વિચાર કરી શકાય છે. જો કે, બજારમાંથી મળતું રિટર્ન ફિક્સ નથી હોતું. તેથી રોકાણ કરતા પહેલાં જોખમને સમજવું જરૂરી છે.

10 લાખ રૂપિયા રોકાણ કરતી વખતે માત્ર વધુ રિટર્ન આપતા વિકલ્પને જોવા યોગ્ય નથી. સૌથી પહેલાં એ નક્કી કરો કે, પૈસા કયા કામ માટે છે, કેટલા સમય સુધી રોકાણ રાખવું છે અને તમે કેટલું જોખમ ઉઠાવી શકો છો. જો પૈસાની જરૂર જલ્દી પડવાની હોય, તો ઓછા જોખમ વાળા વિકલ્પો વધુ સારા હોઈ શકે છે.

બીજી તરફ લાંબા સમયના ટાર્ગેટ માટે ઇક્વિટીમાં વધુ રોકાણ પર વિચાર કરી શકાય છે. હવે જેમ-જેમ તમારો ટાર્ગેટ નજીક આવે, જોખમ ઓછું કરવા માટે ઇક્વિટીમાંથી થોડા પૈસા નીકાળીને સુરક્ષિત સાધનોમાં (સેફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) રોકવા એ સમજદારીભર્યું પગલું હોઈ શકે છે. આ સિવાય રોકાણમાંથી પૈસા નીકાળતી વખતે તેના પર લાગતા ટેક્સને પણ ધ્યાનમાં રાખવો જોઈએ.