
લોકસભામાં પૂછાયેલા એક મહત્વના પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ દેશની સૌથી મોટી વીમા કંપની LICના રોકાણ, ફંડ મેનેજમેન્ટ અને સુરક્ષાના નિયમો અંગે સંસદ સમક્ષ વિગતવાર માહિતી રજૂ કરી છે.

ગ્રાહકો દર મહિને કે વર્ષે જે પ્રીમિયમ ભરે છે, તે ફંડને LIC સરકારી બોન્ડ, સ્ટેટ ડેવલપમેન્ટ ડિબેન્ચર, કોર્પોરેટ બોન્ડ, દેશના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને શેરબજાર જેવા અલગ-અલગ સુરક્ષિત સાધનોમાં રોકે છે.

LICનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શેરબજારમાંથી વધુ વળતર (Return) મેળવવાનો નથી. કંપનીની પ્રથમ પ્રાથમિકતા કરોડો પોલિસીધારકોના નાણાંની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને તેમને લાંબા ગાળે સ્થિર આવક આપવાની છે.

LIC પોતાની મરજી મુજબ કોઈ એક કંપની કે સેક્ટરમાં ગમે તેટલા પૈસા રોકી શકતી નથી. સંસદમાં સ્પષ્ટ કરાયું છે કે કંપનીએ કેન્દ્ર સરકાર અને નિર્ધારિત નિયમોની મર્યાદામાં રહીને જ તમામ રોકાણો કરવા પડે છે.

વીમા નિયામક IRDAI ના કડક નિયમો મુજબ LIC કોઈપણ એક લિસ્ટેડ કંપનીમાં નક્કી કરેલી સીમાથી વધુ હિસ્સેદારી ખરીદી શકતી નથી, જેથી કોઈ ચોક્કસ કંપની ડૂબવાથી મોટું જોખમ ન ઊભું થાય.

LICના કુલ ફંડનો બહુ મોટો હિસ્સો સરકારી જામીનગીરીઓ અને ફિક્સ્ડ ઇન્કમ સોર્સમાં રોકાયેલો હોય છે. આ જ કારણ છે કે જ્યારે શેરબજારમાં ભારે કડાકો આવે છે, ત્યારે પણ LICના સમગ્ર પોર્ટફોલિયો પર તેની બહુ મર્યાદિત અસર થાય છે.

જોખમ ઘટાડવા માટે LIC 'ડાઇવર્સિફિકેશન'ની વ્યૂહરચના અપનાવે છે. એટલે કે પૈસા કોઈ એક જગ્યાએ મૂકવાને બદલે અલગ-અલગ સેક્ટર, ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ નાણાકીય સાધનોમાં વહેંચીને રોકાણ કરવામાં આવે છે.

જો ક્યારેક શેરબજારમાં રોકેલા પૈસામાં અસ્થાયી નુકસાન કે ઘટાડો થાય, તો તેની ભરપાઈ સરકારી બોન્ડ્સ અને સેફ ડિપોઝિટ્સમાંથી મળતા સુરક્ષિત વ્યાજ દ્વારા સહજતાથી સરભર કરી લેવામાં આવે છે.

LIC ટૂંકા ગાળાના નફા-નુકસાનને બદલે 10 થી 30 વર્ષ જેવા લાંબા ગાળાના વિઝન સાથે રોકાણ કરે છે. આ કારણે બજારની ક્ષણિક મંદી કે ઉતાર-ચઢાવની ગ્રાહકોના પાકતી મુદતના નાણાં પર કોઈ નકારાત્મક અસર પડતી નથી.

IRDAIની સતત કડક દેખરેખ અને મોટા ભાગનું ભંડોળ સરકારી સિક્યોરિટીઝમાં સુરક્ષિત હોવાને કારણે LICમાં પોલિસીધારકોના હિત સંપૂર્ણપણે સેફ રહે છે. શેરબજાર સાથે જોડાયેલા હિસ્સામાં સામાન્ય બજાર જોખમ રહેલું હોય છે.