
દિગ્ગજ બ્રોકરેજ ફર્મ નોમુરાએ અલગ-અલગ સેક્ટર્સના સ્ટોક્સ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં વર્તમાન સ્તરેથી 20% થી લઈને 62% સુધીના ઉછાળાની શક્યતા છે. આમાંથી કેટલીક કંપનીઓ શોર્ટ ટર્મ દબાણ હેઠળ હોઈ શકે છે પરંતુ બ્રોકરેજનું માનવું છે કે, તેમની ગ્રોથ હજુ પણ મજબૂત છે. મજબૂત ઓર્ડર બુક, વધતી માંગ અને ઉત્તમ માર્જિન આ સ્ટોક્સને આગળ સપોર્ટ કરી શકે છે.

નોમુરાએ મેરિકોના સ્ટોકમાં અંદાજે 20% સુધીના ઉછાળાની શક્યતા વ્યક્ત કરી છે. બ્રોકરેજે 'Buy' રેટિંગ જાળવી રાખીને 900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો રેવન્યુ ગ્રોથ મજબૂત રહી શકે છે, જેમાં વોલ્યુમ ગ્રોથ અને ડિમાન્ડ રિકવરીનો ફાળો હશે. વેલ્યુ-એડેડ હેર ઓઈલ અને ફૂડ સેગમેન્ટમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન જોવા મળ્યું છે. સાથે જ, કાચા માલના ભાવમાં ઘટાડાથી માર્જિનને સપોર્ટ મળવાની આશા છે.

નોમુરા મુજબ, નાયકાની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures માં અંદાજે 24% સુધીની તેજીની અપેક્ષા છે. બ્રોકરેજે 305 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 'Buy' રેટિંગ યથાવત રાખ્યું છે. બ્યુટી, પર્સનલ કેર અને ફેશન સેગમેન્ટમાં કંપનીનો ગ્રોથ મજબૂત છે. ચોથા ક્વાર્ટરમાં રેવન્યુ ગ્રોથ 20% ની ઉપર રહેવાની ધારણા છે.

નોમુરાનું માનવું છે કે, અદાણી પોર્ટ્સના સ્ટોકમાં અંદાજે 34.3% સુધીનું રિટર્ન મળી શકે છે. બ્રોકરેજે 1,850 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. FY26 માં કાર્ગો વોલ્યુમ 11% વધ્યું છે. મિડલ ઈસ્ટના તણાવની અસર કેટલાક કાર્ગો પર પડી છે પરંતુ કંપનીના ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોએ તેને બેલેન્સ કર્યું છે.

નોમુરા મુજબ, ડાબર ઈન્ડિયાના સ્ટોકમાં અંદાજે 44% સુધીનો ઉછાળો આવી શકે છે. બ્રોકરેજે 600 રૂપિયાનો ટાર્ગેટ આપીને 'Buy' કોલ જાળવી રાખ્યો છે. ચોથા ક્વાર્ટરમાં હેલ્થકેર અને બેવરેજ સેગમેન્ટ દબાણમાં છે પરંતુ હોમ તેમજ પર્સનલ કેર સેગમેન્ટે સારું પ્રદર્શન કર્યું છે.

નોમુરાનો અંદાજ છે કે, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સ્ટોકમાં અંદાજે 49% સુધીની તેજી જોવા મળી શકે છે. બ્રોકરેજે 1,525 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો રેવન્યુ ગ્રોથ ડબલ ડિજિટની નજીક રહી શકે છે.

નોમુરા મુજબ, સરકારી ડિફેન્સ કંપની HAL માં અંદાજે 62.2% સુધીનો ઉછાળો આવવાની શક્યતા છે. બ્રોકરેજે 5,954 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 'Buy' રેટિંગ યથાવત રાખ્યું છે. એન્જિન સપ્લાયમાં વિલંબને કારણે FY26 માં રેવન્યુ અનુમાન કરતા ઓછી રહી છે પરંતુ કંપનીની ઓર્ડર બુક 2.54 લાખ કરોડ રૂપિયાની છે, જે આગામી વર્ષો માટે મજબૂત ગ્રોથ વિઝિબિલિટી આપે છે.