
જૈન વણિક સમાજથી આવતા વિજય રૂપાણીના પિતા ઉદ્યોગપતિ હતા. ગુજરાતમાં વસવાટ કર્યા પછી રૂપાણીએ અહીંથી અભ્યાસ શરૂ કર્યો અને વિદ્યાર્થી સમયમાં ABVP સાથે સંકળાયા.

વિજય રૂપાણીની જેમ તેમની પત્ની અંજલીબેન પણ રાજકારણમાં પહેલેથી જ સક્રિય હતાં. તેઓએ જનસંઘ માટે કામ કર્યું હતું. વિજયભાઈ પોતે સંઘના જૂના પ્રચારક હતા.

70ના દશકામાં એવી પરંપરા હતી કે જ્યાં પ્રચારક જતો ત્યાં જમવાનું મુખ્ય કાર્યકરના ઘરમાં જ થતું. એ જ સમયે વિજયભાઈ અંજલીબહેનના સંપર્કમાં આવ્યા. વિજયભાઈ અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવતા રહેતા હતા.

અંજલીબહેનના પિતા સંઘના મહત્વના કાર્યકર હતા. એ કારણે વિજયભાઈ વારંવાર તેમના ઘરે જમવા જતાં. એવી લંચ-ડિનરની મુલાકાતો વચ્ચે બંનેમાં નિકટતા વધી અને ઓળખાણ ધીમે ધીમે પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ.

વિજયભાઈ અને અંજલીબહેનની કહાની ખૂબ સરળ હતી. પરિવારના આશીર્વાદથી બન્નેએ લગ્ન કર્યા. વિજયભાઈ વધારે એમના પ્રેમ સંબંધો વિશે કંઈ બોલતા નથી, પણ અંજલીબહેન હળવી મીઠાશથી કહે છે, ‘જ્યારે સહમતિ હોય ત્યારે લવમેરેજ પણ એરેન્જ-લવ મેરેજ બની જાય છે. અમારું પણ એવું જ હતું.