
શનિવાર, 7 ફેબ્રુઆરીના રોજ જ્યારે ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે મેદાનમાં ઉતરશે, ત્યારે તે આ તમામ ઈતિહાસ બદલવાના અભિયાનની શરૂઆત કરશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ ફરી એકવાર ખિતાબની પ્રબળ દાવેદાર છે અને આ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ દેખાઈ રહી છે. જો કે, તેમ છતાંય કેટલીક એવી નબળાઈઓ છે કે, જે ટૂર્નામેન્ટ દરમિયાન ટીમને નુકસાન પહોંચાડી શકે છે.

આક્રમક બેટ્સમેન પણ નબળા કીપર: ભારતીય ટીમે વિકેટકીપર-બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને ઈશાન કિશનની પસંદગી કરી છે. જો કે, આ બંને ખેલાડીઓ પોતાની કીપિંગ કરતા બેટિંગના જોરે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. વિકેટની આગળ આ બંને જેટલા આક્રમક છે, સ્ટમ્પની પાછળ તેટલા જ નબળા સાબિત થયા છે. ખાસ કરીને ઈશાન કિશન આ બાબતે વધુ સંઘર્ષ કરતો જોવા મળે છે અને હાલમાં એવું લાગી રહ્યું છે કે, તે જ ટીમનો ઓપનર-વિકેટકીપર હશે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં તેને માત્ર એક મેચમાં કીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં ઈશાન કિશને 8 રન બાય (bye) તરીકે આપ્યા હતા અને 2 સ્ટમ્પિંગની તક પણ ગુમાવી હતી. બીજી તરફ, સ્ટમ્પિંગના મામલે સંજુ સેમસનનો રેકોર્ડ પણ બહુ ખાસ રહ્યો નથી.

કેચ પકડવા: ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા કેચ પકડવાની (Catching) છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને રિંકુ સિંહ જેવા શ્રેષ્ઠ ફિલ્ડરો હોવા છતાં ભારતીય ટીમ કેચ પકડવાના મામલે ઘણી પાછળ સાબિત થઈ રહી છે. ગયા વર્ષના એશિયા કપથી લઈને તાજેતરની ન્યુઝીલેન્ડ ટી20 સીરીઝ સુધી ભારતીય ટીમની કેચ પકડવાની સફળતાનો રેશિયો 75 ટકાથી પણ ઓછો હતો, જે મોટી ટીમોમાં સૌથી ખરાબ ગણાય છે. ટી20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં સૂર્યકુમાર યાદવના અદભૂત કેચે જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં, હાલની આ નબળાઈ ભારત પાસેથી ટ્રોફી છીનવી શકે છે.

ઓપનિંગમાં અસ્થિરતા: આ એક એવી સમસ્યા છે કે, જેના વિશે બે અઠવાડિયા પહેલા કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ખાસ કરીને અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગને જોતા આ કહેવું મુશ્કેલ છે પરંતુ સવાલ તેના જોડીદારનો છે. સંજુ સેમસનને આ ભૂમિકા માટે ફિક્સ માનવામાં આવતો હતો પરંતુ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં તે ફ્લોપ રહ્યો અને 5 ઇનિંગ્સમાં માત્ર 45 રન જ બનાવી શક્યો. આવી સ્થિતિમાં, હવે ઈશાન કિશનને આ જવાબદારી મળતી દેખાઈ રહી છે, જે હાલમાં શાનદાર ફોર્મમાં છે. હવે જો ઈશાન પણ 2 મેચમાં નિષ્ફળ જાય, તો ટીમ ઈન્ડિયા પર દબાણ આવવું નક્કી છે અને આવી સ્થિતિમાં ફરીથી સેમસન પાસે પાછા ફરવું પડી શકે છે. એકંદરે, ઓપનિંગ જોડીનું સેટ ન થવું એ એક મોટી ચિંતા છે.

ઈજા અને બીમારી વધારી રહી છે 'ચિંતા': ફિટનેસ પર ફોકસ કરવા બાબતે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમે ખૂબ જ વાહવાહી મેળવી છે પરંતુ હાલની ટીમમાં કેટલાક એવા મુખ્ય ખેલાડીઓ છે કે, જેમના ઈજાગ્રસ્ત થવાની આશંકા સતત બની રહે છે. હર્ષિત રાણા પહેલા જ ઈજાના કારણે બહાર થઈ ચૂક્યો છે, જ્યારે વોશિંગ્ટન સુંદરની વાપસી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. બીજું કે, USA સામેની મેચ પહેલા જ જસપ્રીત બુમરાહ તાવની લપેટમાં આવી ગયો છે.

વાઈડ અને નો-બોલથી પરેશાન: આ એક એવી સમસ્યા છે કે, જેને ક્રિકેટમાં ગુનાથી ઓછી માનવામાં આવતી નથી. એવામાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર બુમરાહ આવી ભૂલ ના કરે તેનું ધ્યાન રાખવું પડશે. આ સિવાય અર્શદીપ સિંહ સતત સવાલોના ઘેરામાં રહે છે. પોતાની નાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અર્શદીપ ઘણી વખત એક જ ઓવરમાં 3-4 વાઈડ નાખવાને કારણે ટીકાઓનો સામનો કરી ચૂક્યો છે. આવી જ રીતે મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા સાથે પણ આ સમસ્યા જોવા મળી રહી છે.
Published On - 5:23 pm, Sat, 7 February 26