
સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે પત્નીને 'મૂર્ખ' (Stupid) કે 'નકામી' (Useless) કહેવી એ પોતાનામાં ક્રૂરતા નથી. આ સાથે જ કોર્ટે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર પતિ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા શબ્દોનો ઉપયોગ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A હેઠળ ઉત્પીડન કે ક્રૂરતાનો ગુનો નથી બનતો. માત્ર આવા પ્રકારની ટિપ્પણીઓના આધારે પતિને પત્નીની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ મનમોહનની બેન્ચે પત્નીના મૃત્યુ બાદ પતિ વિરુદ્ધ નોંધાયેલા કેસની કાર્યવાહી રદ કરી દીધી હતી.

પતિ સામેની ફોજદારી કાર્યવાહી રદ: બેન્ચે નોંધ્યું કે પતિનો ગુસ્સાવાળો સ્વભાવ કે આકરું વર્તન એ ગુનાહિત ધમકી કે ગંભીર ઈજા પહોંચાડવાના ગુના સમાન ગણી શકાય નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે આરોપોના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા ન હોય. અદાલતે કહ્યું, "મૃતકાને 'મૂર્ખ' કે 'નકામી' કહેવાનો આરોપ જો પ્રથમ દ્રષ્ટિએ સાચો માની પણ લેવાય, તોય તે ક્રૂરતા કે ગુનાહિત ધમકીનો ગુનો બનતો નથી. વધુમાં વધુ તે પતિના સ્વભાવને દર્શાવે છે, પરંતુ તેને આટલો ગંભીર ગુનાહિત રંગ ન આપી શકાય કે જેનાથી પત્નીની આત્મહત્યા માટે તેને સીધો જવાબદાર માની લેવાય."

કેનેડામાં 22મા માળેથી કૂદીને કરી હતી આત્મહત્યા: કેસની વિગતો મુજબ, દંપતીના લગ્ન વર્ષ 2021 માં થયા હતા અને બંને વર્ષ 2022 માં કેનેડાના ટોરોન્ટો ગયા હતા. 11 જૂન 2023 ના રોજ પત્નીએ પોતાના એપાર્ટમેન્ટના 22મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં તેણે નોકરી ન મળવા અને જીવનની નિષ્ફળતાઓથી પરેશાન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકાના પિતાએ મહારાષ્ટ્રના સાતારા પોલીસ મથકે FIR નોંધાવી આરોપ મૂક્યો હતો કે લગ્ન પહેલાં 15 તોલા સોનું, લગ્ન પછી પ્રથમ દિવાળીએ સોનાની વીંટી તથા બ્રેસલેટ અને બાદમાં 3 તોલા સોનાની માંગણી કરવામાં આવી હતી. તેમણે પતિ પર પુત્રીને માનસિક ત્રાસ આપવા અને તેને નકામી-મૂર્ખ કહેવાનો પણ આરોપ લગાવ્યો હતો.

દહેજની માંગણીના કોઈ નક્કર પુરાવા નહીં: સુપ્રીમ કોર્ટ:- સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેનેડાના કોરોનરની તપાસ અને ટોરોન્ટો પોલીસના વર્ષ 2024 ના ક્લોઝર રિપોર્ટમાં કોઈ ષડયંત્ર કે ઝપાઝપીના પુરાવા મળ્યા નહોતા. સુસાઈડ નોટ પણ મૃતકાના પોતાના હસ્તાક્ષરમાં હતી. સીસીટીવી ફૂટેજ મુજબ ઘટના સમયે પતિ ઘરમાં હાજર નહોતો. અદાલતે જણાવ્યું કે દહેજની માંગણી 2021 અને 2022 ની દર્શાવવામાં આવી હતી, પરંતુ પત્નીના મૃત્યુ સુધી કોઈ ફરિયાદ થઈ નહોતી. પિતાએ પોતે સ્વીકાર્યું હતું કે 15 તોલા સોનું લગ્નની ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે પ્રથમ દિવાળીએ ભેટસોગાદોની આપ-લે ભારતીય પરિવારોમાં સામાન્ય પરંપરા છે. નક્કર પુરાવા વિના તેને દહેજની માંગણીનો ફોજદારી કેસ ન બનાવી શકાય.

ક્રૂરતા સાબિત કરવા ચોક્કસ ઘટનાઓ અનિવાર્ય: પીઠે જણાવ્યું કે ક્રૂરતા સાબિત કરવા માટે ઉત્પીડનની ચોક્કસ ઘટનાઓ અને પુરાવા રજૂ કરવા જરૂરી છે. સામાન્ય અને અસ્પષ્ટ આક્ષેપોના આધારે કેસ આગળ ચલાવી શકાય નહીં. લગ્નસંબંધી વિવાદોમાં અદાલતોએ આરોપોની અત્યંત ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ જેથી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવી શકાય.

પુરાવા વગર ગુનાહિત રંગ આપવો કાયદાનો દુરુપયોગ: કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુત્રી ગુમાવનાર પિતાનું દુઃખ સમજી શકાય તેવું છે, પરંતુ કોઈ પણ પુરાવા વગર પતિ કે સાસરિયાઓને આ દુર્ઘટના માટે દોષિત ન ઠેરવી શકાય. સુપ્રીમ કોર્ટે 'હરિયાણા રાજ્ય વિરુદ્ધ ભજનલાલ' કેસના સિદ્ધાંતોને ટાંકીને બોમ્બે હાઈકોર્ટનો 8 જાન્યુઆરી 2025 નો આદેશ રદ કર્યો હતો અને પતિ વિરુદ્ધની FIR તેમજ સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો.

આ FIR ભારતીય દંડ સંહિતા (IPC), 1860ની કલમ 304B (દહેજ મૃત્યુ), 323 (મારપીટ), 498A (પતિ કે સાસરિયાઓ દ્વારા ક્રૂરતા) અને 504 (શાંતિનો ભંગ થાય તેવા ઇરાદે અપમાન) હેઠળ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961ની કલમ 3 (દહેજ આપવા કે લેવા બદલ સજા) અને કલમ 4 (દહેજની માંગણી બદલ સજા) હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નવા ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ આ જોગવાઈઓ અનુક્રમે કલમ 80, 115(2), 85 અને 352માં સમાવિષ્ટ છે. સુપ્રીમ કોર્ટે ઉપલબ્ધ પુરાવા અને કેસની હકીકતોનું મૂલ્યાંકન કર્યા બાદ પતિ વિરુદ્ધની FIR તથા સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.
Published On - 5:45 pm, Tue, 3 November 26