
ભારતમાં વર્ષ 2026 ના ચોમાસાને લઈને ચિંતાઓ વધી રહી છે. એક નવો અહેવાલ કહે છે કે, હાલમાં તેને સમગ્ર શેરબજાર માટે મોટો ખતરો માની શકાય નહીં. તેની અસર થશે પરંતુ દરેક કંપની અને દરેક સેક્ટર પર નહીં થાય. રિસર્ચ ફર્મ ફ્રન્ટ વેવ રિસર્ચનું કહેવું છે કે, નબળા ચોમાસાની સ્થિતિમાં કેટલીક કંપનીઓની કમાણી પર દબાણ આવી શકે છે. એવામાં જ્યારે ઘણા સેક્ટર્સ એવા પણ છે, જેના પર આની બહુ અસર નહીં પડે. અહેવાલ મુજબ, રોકાણકારોએ માત્ર હવામાનના અંદાજો જ ન જોવા જોઈએ. ગ્રામીણ માંગ, ખરીફ વાવેતર અને અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પર પણ નજર રાખવી જોઈએ.

અહેવાલ મુજબ, નબળા ચોમાસાનો પ્રથમ ઝટકો ખેડૂતને લાગે છે. વરસાદ ઓછો થાય તો પાક પર અસર પડી શકે છે. આનાથી ખેડૂતોની આવક ઘટી શકે છે. બીજું કે, જ્યારે ગામડાઓમાં આવક ઓછી થાય છે, ત્યારે ખર્ચ પણ ઓછો થવા લાગે છે. આની અસર એવી કંપનીઓ પર પડે છે, જેમનો વ્યવસાય ગ્રામીણ વિસ્તારો પર વધુ નિર્ભર છે. થોડા સમય પછી આ જ અસર કંપનીઓની કમાણીમાં દેખાય છે. ત્યારબાદ શેરના ભાવ પર પણ દબાણ આવી શકે છે.

ફ્રન્ટ વેવ રિસર્ચના જણાવ્યા અનુસાર, કૃષિ ક્ષેત્ર આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો આશરે 16% હિસ્સો ધરાવે છે. દેશના લગભગ 46% લોકોને રોજગાર પણ આ જ ક્ષેત્રમાંથી મળે છે. ભારતમાં વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો લગભગ 70% હિસ્સો ચોમાસામાંથી આવે છે. ખરીફ પાકનું આશરે અડધું ઉત્પાદન પણ ચોમાસા પર નિર્ભર કરે છે. આ જ કારણ છે કે, ચોમાસું નબળું પડતાં જ સૌથી પહેલા ગ્રામીણ અર્થતંત્ર પર અસર જોવા મળે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ખેતી સાથે જોડાયેલા મશીનો બનાવતી કંપનીઓ સૌથી પહેલા અસર અનુભવી શકે છે. આમાં M&M અને Escorts Kubota જેવી કંપનીઓ છે. ગ્રામીણ બજાર પર નિર્ભર ટૂ-વ્હીલર કંપનીઓ પણ દબાણમાં આવી શકે છે. Hero MotoCorp અને TVS Motor આના ઉદાહરણો છે. FMCG સેક્ટરની કેટલીક કંપનીઓ પણ પ્રભાવિત થઈ શકે છે. HUL, Dabur અને Marico જેવી બ્રાન્ડ્સ ગામડાઓ અને નાના શહેરોમાંથી સારો એવો વેચાણ હિસ્સો મેળવે છે. ગ્રામીણ માંગ નબળી પડવા પર તેમના વેચાણ પર અસર પડી શકે છે.

રૂરલ લેન્ડર્સ (ગ્રામીણ ધિરાણકર્તાઓ) અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પણ દબાણમાં આવી શકે છે. જો કે, અહીં અસર તરત જ દેખાતી નથી. જો ખેડૂતો અને ગ્રામીણ ગ્રાહકોની આવક ઘટે છે, તો લોન ચૂકવવામાં પડતી મુશ્કેલીઓ પછીના ત્રિમાસિક ગાળામાં સામે આવી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચોમાસાની અસર દરેક સેક્ટર પર એક સરખી નથી હોતી. એગ્રી-ઇનપુટ (કૃષિ સંબંધિત પ્રોડક્ટ્સ બનાવતી) કંપનીઓને શરૂઆતમાં ફાયદો પણ મળી શકે છે. વાવેતર પહેલાં ખેડૂતો બિયારણ, ખાતર અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદે છે. આનાથી શરૂઆતની માંગ વધી શકે છે. જો કે બાદમાં વરસાદ નબળો રહેવા પર માંગ ઘટી પણ શકે છે.

બીજી તરફ શહેરી વપરાશ (અર્બન કન્ઝમ્પશન) સાથે જોડાયેલી કંપનીઓ અમુક અંશે સુરક્ષિત રહી શકે છે. પ્રાઇવેટ સેક્ટરની બેંકો, આઇટી સર્વિસિસ કંપનીઓ, રિટેલ કંપનીઓ અને નિકાસ (એક્સપોર્ટ) પર નિર્ભર બિઝનેસ પર ચોમાસાની અસર મર્યાદિત રહેવાની સંભાવના છે. અહેવાલનું કહેવું છે કે, માત્ર હવામાનના સમાચારોના આધારે નિર્ણય ન લેવો જોઈએ. વધુ જરૂરી એ જોવાનું છે કે, કોઈ કંપનીની કમાણીનો કેટલો હિસ્સો ગ્રામીણ બજારમાંથી આવે છે, ખરીફ વાવેતર કેવું ચાલી રહ્યું છે, ગ્રામીણ વિસ્તારોમાં માંગ કેવી છે અને અલગ-અલગ રાજ્યોમાં વરસાદની સ્થિતિ શું છે.