
આજે 20 ફેબ્રુઆરીના રોજ Paytm ના શેરમાં અપર સર્કિટ લાગી હતી. આજે ટ્રેડિંગનો ત્રીજો દિવસ છે જ્યારે શેરમાં વધારો જોવા મળ્યો છે. આ જોતા એ સવાલ થાય છે કે શું પેટીએમ પરથી સંકટના વાદળો હટી ગયા છે. Paytmમાં ઈન્વેસ્ટર્સની ખરીદી જોઈને કંઈક આવું જ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

શેરબજારના નિષ્ણાતોના મતે વિજય શેખર શર્મા માટે નિયમનકારી સંકટનો સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે. કંપનીના શેરમાં છેલ્લા 3 દિવસમાં 16 ટકાથી વધુનો વધારો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, Paytmના શેર સતત ત્રીજા દિવસે 5 ટકાની ઉપરની સર્કિટમાં છે.

આજે પેટીએમના શેર 17.90 રૂપિયાના વધારા સાથે 376.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીના શેરમાં ત્રણ દિવસમાં 51 રૂપિયાથી વધારેનો વધારો જોવા મળ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેર 318.35 રૂપિયાની 52 સપ્તાહના લો લેવલ પર પહોંચ્યા હતા. તે સ્તરથી કંપનીના શેરમાં 18 ટકાથી વધુનો વધારો થયો છે.

પેટીએમના શેર 18 નવેમ્બર 2021ના રોજ બંને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. ત્યારબાદથી કંપનીના શેરના ભાવમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. RBI અને ED ની કાર્યવાહી અને એક્સિસ બેંક સાથેની ડીલના સકારાત્મક સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં ફરી વધારો થયો છે.

જેફરીઝે પેટીએમને 'નોન-રેટેડ' શેર્સેના લિસ્ટમાં ટ્રાન્સફર કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ 555 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે સમાન વેઈટ રેટિંગ જાળવી રાખ્યું છે. આરબીઆઈએ નોડલ એકાઉન્ટ્સ સિવાય પેટીએમ પેમેન્ટ્સ બેંકના કોર બેંકિંગ અને વોલેટ ઓપરેશન્સ પરનો પ્રતિબંધ 15 દિવસ સુધી લંબાવ્યો છે.