
ગોલ્ડ લોન ક્ષેત્રની અગ્રણી કંપનીએ શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર 30 રૂપિયા (300 ટકા) ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. એક્સચેન્જને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, ડિવિડન્ડ માટે 17 એપ્રિલ 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. આ દિવસ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર ગણાશે.

કંપનીએ જણાવ્યું કે, શેરધારકોને ડિવિડન્ડની જાહેરાતના 30 દિવસની અંદર આ રકમ મળી જશે. કંપની સતત તેના રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરતી રહી છે. એપ્રિલ 2025માં કંપનીએ રોકાણકારો માટે 26 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જેની રેકોર્ડ ડેટ 24 એપ્રિલ હતી.

આ સિવાય કંપનીએ મે 2024માં 24 રૂપિયા અને એપ્રિલ 2023માં 22 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બોર્ડે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફારના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે, જેના દ્વારા કંપની ભવિષ્યમાં ઇન્શ્યોરન્સ કોર્પોરેટ એજન્સી બિઝનેસમાં પણ પ્રવેશવા માંગે છે.

માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 94.9 ટકાના તોતિંગ ઉછાળા સાથે 2,656 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં 1,363 કરોડ રૂપિયા હતો. ગોલ્ડ લોન આપતી આ NBFCએ માર્ચ ક્વાર્ટરમાં 4,467 કરોડ રૂપિયાની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ નોંધાવી છે, જે અગાઉના વર્ષે આ ગાળામાં 2,721 કરોડ રૂપિયા હતી.

કંપનીએ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં 1,64,720 કરોડ રૂપિયાની AUM નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2025ના 9 મહિનામાં 1,11,308 કરોડ રૂપિયાની સરખામણીએ વાર્ષિક ધોરણે 48 ટકાનો વધારો દર્શાવે છે. શુક્રવારે Muthoot Finance નો શેર 2.67 ટકાની તેજી સાથે 3,568.10 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 76.90 ટકા અને છેલ્લા એક મહિનામાં 8.68 ટકાની તેજી જોવા મળી છે.