
આ ઘટાડાથી ચાંદીના ETF પર પણ અસર પડી છે. Ace MF ના ડેટા અનુસાર, 20 ઓક્ટોબરના રોજ લગભગ તમામ ચાંદીના ETF માં 7% સુધીનો ઘટાડો થયો હતો. નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF (SilverBees) 6.94%, ICICI Prudential Silver ETF 6.96% અને Axis Silver ETF 6.93% ઘટ્યો. ઊંચા ભાવે ખરીદી કરનારા રોકાણકારોને એક જ દિવસમાં નોંધપાત્ર નુકસાન થયું છે, તેવું કહી શકાય.

ચાંદીના ETF તેમની અસલી વેલ્યૂ (iNAV) કરતા 10 થી 13 ટકા વધુ ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જો કે, હવે ભાવ ઘટાડા સાથે કેટલાક ફંડ તેમની અસલી વેલ્યૂથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, નિપ્પોન સિલ્વરબીઝનો iNAV ₹152 છે, જ્યારે તેની ટ્રેડિંગ કિંમત ₹148.79 છે. આવી જ રીતે, ICICI Prudential Silver ETFનો iNAV ₹164.79 છે અને ટ્રેડિંગ કિંમત ₹153.68 છે. આ પરથી કહી શકાય કે, બજાર હવે સામાન્ય સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે.

નોંધનીય છે કે, જ્યારે ચાંદીના ETF ખૂબ મોંઘા થઈ ગયા, ત્યારે કોટક, SBI, UTI, ટાટા, ICICI પ્રુડેન્શિયલ અને HDFC જેવા ઘણા મોટા મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના ફંડ ઓફ ફંડમાં નવી ખરીદી બંધ કરી દીધી. જો કે, હવે કિંમતો સમાન થઈ રહી છે અને આ ફંડ્સ ફરીથી સક્રિય થવાની શક્યતા છે. આનો અર્થ એ થઈ શકે છે કે, બજારમાં ખરીદીનો રસ ધીમે ધીમે વધી શકે છે, જેનાથી રોકાણકારો માટે એક નવી તક ઊભી થશે.

એકંદરે દિવાળી પછી ચાંદીએ તેની ચમક ગુમાવી દીધી છે પરંતુ આ ઘટાડો લાંબાગાળાના દૃષ્ટિકોણ ધરાવતા રોકાણકારો માટે સારી તક સાબિત થઈ શકે છે. ઇંડસ્ટ્રિયલ, ઇલેક્ટ્રિક વાહનો અને સોલર એનર્જી જેવા ક્ષેત્રોમાં ચાંદીની માંગ મજબૂત રહે છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકાર સમજદારીપૂર્વક આગળ વધે, તો આગામી મહિનાઓમાં ચાંદીના ETF ફરીથી ચમકી શકે છે.