‘ચાંદી’ માં કઈંક મોટું થશે… ₹4 લાખ પહોંચશે ભાવ, ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ માટે રહો તૈયાર
ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલા કરેક્શનથી જો તમે પણ થોડા ચિંતિત હોવ, તો રોકાણકારો માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, ચાંદીમાં ટૂંક સમયમાં જ એક મોટી તેજીની શરૂઆત થઈ શકે છે. ટૂંકમાં, આવનારા સમયમાં એક નવો ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ બનાવી શકે છે.

છેલ્લા કેટલાક સમયની તેજી પછી ચાંદીમાં ભલે કરેક્શન જોવા મળ્યું હોય પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, 'ચાંદી' ₹4 લાખ (Silver Price Target) ની સપાટીને સ્પર્શી શકે છે. વર્તમાન સમયમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2.40 લાખની આસપાસ છે. આવી સ્થિતિમાં ₹4 લાખની સપાટી ચાંદીના રોકાણકારો માટે એક મોટી તક બની શકે છે.

Kedia Stocks and Commodities Research ના તાજેતરના અહેવાલ મુજબ, 'ચાંદી' આગામી 6 મહિનામાં પ્રતિ ઔંસ $85–90 સુધી પહોંચી શકે છે અને જો તેજીનો આ સિલસિલો આગળ પણ ચાલુ રહેશે, તો દિવાળી 2027 સુધીમાં તેનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ ઔંસ $120 સુધી જઈ શકે છે. સ્થાનિક બજારમાં તેનો કન્ડિશનલ બુલિશ ટાર્ગેટ પ્રતિ કિલો આશરે ₹4 લાખ રાખવામાં આવ્યો છે.

22 સપ્ટેમ્બર 2026 ના આ અહેવાલમાં જણાવાયું છે કે, સપ્લાયની અછત, રોકાણની માંગ અને ઈન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ જેવા અનેક પરિબળો ચાંદીના ભાવ પાછળ કામ કરી રહ્યા છે. અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ₹4 લાખનો લક્ષ્યાંક ડૉલર સામે રૂપિયાની ચાલ, ડ્યુટી અને સ્થાનિક પ્રીમિયમ જેવી પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે.

અહેવાલમાં આપવામાં આવેલા આંકડા મુજબ, 17 સપ્ટેમ્બર 2026 સુધી ચાંદીનો સ્થાનિક ભાવ પ્રતિ કિલો આશરે ₹2.34 લાખ હતો. વર્ષ 2025 ની દિવાળીથી આ સપાટી સુધી 'ચાંદી' આશરે 52.81% ઉછળી ચૂકી હતી. કેડિયા એડવાઈઝરીએ આની સરખામણીમાં પ્રતિ કિલો ₹4 લાખને પોતાનો બુલિશ ડોમેસ્ટિક ઓબ્જેક્ટિવ ગણાવ્યો છે. સરળ ભાષામાં કહીએ તો, 'ચાંદી' સંદર્ભિત વર્તમાન સપાટીથી આશરે 71% ઊંચા સંભવિત સ્તર સુધી જઈ શકે છે.

જો કે, આ કોઈ નિશ્ચિત કિંમતનો અંદાજ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિ ઔંસ $120 અને રૂપિયાના વિનિમય દર (Exchange Rate) ના આધારે સ્થાનિક કિંમત બદલાઈ શકે છે. અહેવાલના ઉદાહરણ મુજબ, $120 ની ચાંદી અને 95 ના વર્તમાન વિનિમય દર મુજબ, સ્થાનિક મૂલ્ય પ્રતિ કિલો આશરે ₹4 લાખ, જ્યારે 100 ના વિનિમય દર પર પ્રતિ કિલો આશરે ₹4.25 લાખ થઈ શકે છે.

કેડિયા એડવાઈઝરીના જણાવ્યા અનુસાર, ચાંદીના ભાવમાં તેજીનો સૌથી મોટો સપોર્ટ સપ્લાય ડેફિસિટ (પુરવઠાની અછત) છે. વર્ષ 2026 માં વૈશ્વિક ચાંદીના બજારમાં આશરે 46.3 મિલિયન ઔંસની અછત રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2025 ના 40.3 મિલિયન ઔંસની ખાધ કરતાં વધુ છે. આ સતત છઠ્ઠું વર્ષ હશે, જ્યારે વૈશ્વિક બજારમાં પુરવઠો માંગ કરતાં ઓછો રહી શકે છે. અહેવાલ મુજબ, ચાંદીની માઈન સપ્લાય (ખાણ પુરવઠો) પણ કિંમત વધવાની સાથે ઝડપથી વધી શકતી નથી.

વૈશ્વિક ઉત્પાદનનો માત્ર એક-ચતુર્થાંશ હિસ્સો પ્રાઈમરી સિલ્વર માઈન્સમાંથી આવે છે, જ્યારે મોટો હિસ્સો લેડ-ઝિંક, કોપર અને ગોલ્ડ જેવી બીજી ધાતુઓનું માઈનિંગ કરવા દરમિયાન બાય-પ્રોડક્ટ (ઉપપેદાશ) તરીકે મળે છે. તેથી, માત્ર ચાંદીની કિંમત વધવાથી સપ્લાય તરત જ વધી જતી નથી.

ભારતમાં સિલ્વર ETF માં પણ રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો છે. ઓગસ્ટ 2026 માં સિલ્વર ETF માં આશરે ₹1,271 કરોડનું નેટ ઈનફ્લો આવ્યું હતું. જુલાઈમાં આ આંકડો ₹1,285 કરોડ હતો. ઓગસ્ટના અંત સુધીમાં સિલ્વર ETF નું AUM વધીને આશરે ₹85,488 કરોડ પહોંચી ગયું. અહેવાલ મુજબ, ભારતીય રોકાણકારો ચાંદીમાં એક્સપોઝર લેવા માટે ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ વધારી રહ્યા છે.

બીજી તરફ, વૈશ્વિક સ્તરે વર્ષ 2026 માં સિલ્વર કોઈન અને નેટ બારની ખરીદીમાં 18% નો વધારો થવાનો અંદાજ છે. કુલ માંગ 257.6 મિલિયન ઔંસ સુધી પહોંચવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે, ભાવમાં કરેક્શન આવે તો પણ ફિઝિકલ સિલ્વરની ખરીદીને સપોર્ટ મળી શકે છે.

અહેવાલમાં ચાંદી માટે કેટલાક જોખમો પણ ગણાવવામાં આવ્યા છે. જો વ્યાજદરમાં કડકતા જળવાઈ રહે, ચાંદીની જગ્યાએ બીજી ટેક્નોલોજીનો ઉપયોગ વધે અથવા માઈનિંગ અને રિસાયક્લિંગથી સપ્લાય ઝડપથી વધે, તો કિંમતોની તેજી પર અસર પડી શકે છે. આ સિવાય ETF અને અન્ય રોકાણકારોની ખરીદી નબળી પડે, તો પણ ચાંદી પર દબાણ વધી શકે છે. ટેકનિકલ સ્તરે કેડિયા એડવાઈઝરીના જણાવ્યા અનુસાર, $70 અને ત્યારબાદ $72.70 ની ઉપર ટકાવ ક્લોઝિંગ ચાંદીની તેજીની પુષ્ટિ માટે મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ અહેવાલમાં 6 મહિના માટે $85–90 અને આગામી વર્ષે દિવાળી સુધી $120 નો લક્ષ્યાંક દર્શાવવામાં આવ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?
