
બેંકિંગ નિયમો ભલે કડક થઈ ગયા હોય પરંતુ 'બેંક' લોકરમાં રાખેલા સોનાં અથવા દાગીના માટે જવાબદાર નથી. બેંકને ખબર નથી કે, લોકરમાં શું રાખ્યું છે, તેથી તેઓ સોનાની સુરક્ષાની ગેરંટી કે વીમો આપતા નથી. જો કોઈ કુદરતી આપત્તિ, આગ કે ચોરી થાય અને બેંકની બેદરકારી સાબિત ન થાય, તો 'બેંક' પર કોઇ કાનૂની જવાબદારી નહીં થાય.

દરેક 'લોકર' એક એગ્રીમેન્ટ હેઠળ આપવામાં આવે છે, જેમાં બેંક અને ગ્રાહક બંનેની જવાબદારીઓ નક્કી કરેલી હોય છે. જો ગ્રાહક સમયસર લોકરનો ઉપયોગ કરે, ભાડું આપે અને એકાઉન્ટ એક્ટિવ રાખે, તો તેના કાનૂની હક (Legal Rights) સુરક્ષિત રહે છે. બીજીબાજુ બેંકો પોતાની ઈચ્છા પ્રમાણે લોકર ખોલી શકતી નથી. તેમને પહેલા લેખિત સૂચના અને વેઈટિંગ પીરિયડ આપવો જરૂરી છે.

કેટલાક લોકો સોનું ઘરે જ રાખવાનું પસંદ કરે છે, જેથી તેને સરળતાથી ઉપયોગમાં લઇ શકાય પરંતુ આ પણ જોખમી સાબિત થઈ શકે છે. ચોરી, આગ, અથવા ભૂલથી દાગીના ખોવાઈ જવાનું જોખમ સામાન્ય છે. આ સાથે જ ઈન્સ્યોરન્સ અથવા મજબૂત સેફટી સિસ્ટમના હોવાને કારણે ઘરે રાખેલું સોનું ઘણીવાર બેંક લોકર કરતાં ઓછું સુરક્ષિત હોય છે.

સરળ રીતે જોઈએ તો, 'બેંક' લોકરમાં રહેલી વસ્તુઓ માટે ઈન્સ્યોરન્સ લેતું નથી, તેથી અલગથી 'જ્વેલરી ઈન્સ્યોરન્સ પૉલિસી' લેવી જરૂરી છે. આવી પૉલિસી ચોરી, આગ અથવા નુકસાનથી સુરક્ષા આપે છે. તમારા દાગીનાના ફોટો, બિલ અને ઇન્વેન્ટરી રેકોર્ડ રાખો, જેથી ક્લેમ સમયે મુશ્કેલી ના આવે. બીજું કે, વર્ષમાં એકવાર લોકરનું નિરીક્ષણ કરવું જરૂરી છે, જેથી બેંકના નિયમોનું પાલન થાય અને લોકર એક્ટિવ રહે.