
યુએસ સરકારે દેશની બે મોટી મોર્ટગેજ કંપનીઓ 'ફેની મે' અને 'ફ્રેડી મેક'ને હોમ લોન એપ્લિકેશનની મૂલ્યાંકન પ્રક્રિયામાં ક્રિપ્ટોકરન્સીને એસેટ તરીકે સ્વીકારવાની યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીને લઈને આ એક ઐતિહાસિક નિર્ણય હોઈ શકે છે.

યુએસ ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સી (FHFA)એ નિર્દેશ આપ્યો છે કે, ફેની મે અને ફ્રેડી મેક જેવી સરકારી એજન્સીઓએ હવે હોમ લોન એપ્લિકેશનમાં બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો એસેટ્સને માન્ય સંપત્તિ તરીકે ગણવાનું વિચારવું જોઈએ.

હવે ગ્રાહકો હોમ લોન લેતી વખતે તેમના બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો હોલ્ડિંગ્સને એસેટ તરીકે બતાવી શકશે, જો તે એસેટ યુએસમાં રજિસ્ટર્ડ અને રેગ્યુલેટેડ કરાયેલ એક્સચેન્જોમાં સુરક્ષિત રાખવામાં આવે.

ફેની મે અને ફ્રેડી મેકને કહેવામાં આવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સીને ગિરવી રૂપે સ્વીકારવા માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરે. જો આ પગલું અમલમાં મૂકવામાં આવે છે, તો યુએસમાં પહેલીવાર ક્રિપ્ટોકરન્સીને હોમ લોન માટે ગિરવી સંપત્તિ તરીકે ઔપચારિક માન્યતા મળશે.

આ ફેરફારથી લોકો ક્રિપ્ટો ડિજિટલ એસેટને રોકડમાં રૂપાંતરિત કરવાને બદલે સીધી રીતે ઉપયોગ કરી શકશે. નિયમો એ પણ સુનિશ્ચિત કરશે કે, વોલેટિલિટી અને જોખમનું યોગ્ય રીતે સંચાલન થાય.

જણાવી દઈએ કે, ફેની મે અને ફ્રેડી મેક સીધી લોન આપતા નથી, તેમ છતાંય દેશની તમામ બેંકો દ્વારા તેમની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે, જો આ એજન્સીઓ ક્રિપ્ટોને ગિરવી તરીકે માને છે, તો બેંકો પણ આ દિશામાં આગળ વધી શકે છે.