
તાજેતરમાં વિજયવાડામાં યોજાયેલા "Peddi"ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. કાર્યક્રમ દરમિયાન એક ચાહકે સુરક્ષા વ્યવસ્થા તોડીને સીધા રામ ચરણ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. આ ઉતાવળમાં તે અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે અથડાઈ ગયો, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દરમિયાન કેવિન કુંતાએ ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને ચાહકને સ્ટેજ પરથી દૂર લઈ ગયો. તેમની સતર્કતા અને વ્યાવસાયિક કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારથી લોકો કેવિન વિશે વધુ માહિતી જાણવા ઉત્સુક બન્યા છે.

કેવિન કુંતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તેઓ મૂળ ગેમ્બિયાના રહેવાસી છે અને હાલમાં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં રહે છે. તેઓ પોતાને આંતરરાષ્ટ્રીય સ્તરના વ્યાવસાયિક મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઇટર તરીકે ઓળખાવે છે. બોડીગાર્ડ તરીકે ઓળખ મેળવતા પહેલાં તેઓએ MMA ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.

તેમનું સાચું નામ અબ્દુ કાદિર સોવે છે અને તેમનો જન્મ વર્ષ 1998માં ગેમ્બિયામાં થયો હતો. ગેમ્બિયા રેસલિંગ ફેડરેશન સાથે જોડાયેલા હોવાથી તેઓ "બારાના મામા લેમિન" નામથી પણ જાણીતા છે. હાલમાં તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 82 હજારથી વધુ ફોલોઅર્સ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેવિન કુંતા રામ ચરણની સુરક્ષા માટે નોંધપાત્ર ફી વસૂલ કરે છે. અહેવાલો મુજબ તેઓ દરરોજ અંદાજે 2 લાખથી 4 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. આ પ્રમાણે તેમની માસિક આવક આશરે 60 લાખથી 1 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, આ આંકડાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.જાહ્નવી કપૂરને ચાહકથી બચાવ્યા બાદ કેવિન કુંતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની વ્યાવસાયિકતા તેમજ સતર્કતાની પ્રશંસા થઈ રહી છે.
Published On - 6:54 pm, Wed, 3 June 26