TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti
Apr 07, 2022 | 10:42 PM
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના હોય તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી આ તમામ કાર્યક્રમોને લઈને જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
માધવપુર ઘેડમાં યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ ,પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તેમજ અન્ય વિભાગોના સંકલનથી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા અનુસંગીક વ્યવસ્થાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મેળાના આયોજનને લઇને કરવામાં આવી રહી છે.
પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવી છે. મેળામાં તા.10 થી તા. 14 સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય અને દિવ્ય રીતે રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોલ નિદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને બંદોબસ્તની આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે
પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.
રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામા આવે છે.
આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે 8 કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12 કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના 8 જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે.
સૈારાષ્ટ્રના દરિયા કાઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે યોજાતા પરંપરાગત મેળામા ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત,શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ/ મલ્ટી મીડિયા શો, આત્મ નિર્ભર ભારત અંતર્ગત ઉધમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમોમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ચૈત્ર માસની રામનવમી તા.૧૦ એપ્રિલથી તા.૧૪ એપ્રિલથી સુધી પાંચ દિવસ માટે માધવપુર ખાતે લોક મેળાનું આયોજન કરાયુ છે.