
કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ લગાવવામાં આવતા રૂફટોપ સોલર સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે ઘરોની છત પર લગાવવામાં આવેલા સોલર પેનલ દરરોજ કેટલી વીજળી ઉત્પન્ન કરે છે, તેનો વધુ વ્યવસ્થિત ડિજિટલ રેકોર્ડ સરકાર સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે યોજના સાથે જોડાયેલી ઇન્વર્ટર કંપનીઓને એક સમાન API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) મારફતે સોલર વીજ ઉત્પાદનનો ડેટા નેશનલ પોર્ટલ સુધી મોકલવાની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ પગલાનો મુખ્ય હેતુ માત્ર વીજ ઉત્પાદન પર નજર રાખવાનો નથી, પરંતુ યોજના જમીન પર કેટલો અસરકારક પરિણામ આપી રહી છે તેનો પણ અંદાજ મેળવવાનો છે.

હાલમાં રૂફટોપ સોલારથી ઉત્પન્ન થતી વીજળીનો મોટો હિસ્સો ઘરમાં જ વપરાઈ જાય છે. તેથી ડિસ્કોમ પાસે દરેક ઘરના સોલર પેનલે કુલ કેટલી વીજળી ઉત્પન્ન કરી તેનો ચોક્કસ ડેટા હંમેશાં ઉપલબ્ધ રહેતો નથી. નવી વ્યવસ્થા દ્વારા સરકાર સીધો ઉત્પાદન સંબંધિત ડેટા મેળવવા માંગે છે.

આ પ્રક્રિયામાં સોલર ઇન્વર્ટર મહત્વની ભૂમિકા ભજવશે. ઇન્વર્ટર અથવા તેની સાથે જોડાયેલા ડોંગલ અને ડેટા-લૉગર જેવા કમ્યુનિકેશન ઉપકરણો રોજિંદા વીજ ઉત્પાદનનો રેકોર્ડ તૈયાર કરશે. આ ડેટાને ઇન્વર્ટરના સીરિયલ નંબર અથવા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી યુનિક ઓળખ સાથે જોડવામાં આવશે. ત્યારબાદ ઇન્વર્ટર ઉત્પાદક કંપનીઓ API મારફતે આ માહિતી નેશનલ પોર્ટલ પર મોકલશે.

સરકાર આ ડેટાના આધારે જાણી શકશે કે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વાસ્તવમાં કેટલું વીજ ઉત્પાદન વધી રહ્યું છે, અલગ-અલગ રાજ્યોમાં રૂફટોપ સોલરનું પ્રદર્શન કેવું છે અને સબસિડી હેઠળ લગાવવામાં આવેલા સિસ્ટમ કેટલી અસરકારક રીતે કાર્ય કરી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે હાલ સરકારનો મુખ્ય ફોકસ સોલર સિસ્ટમ દ્વારા થતા વીજ ઉત્પાદન પર છે. ઘરમાં ઉત્પન્ન વીજળીમાંથી કેટલી વીજળી વપરાઈ, તેની સંપૂર્ણ માહિતી મેળવવી આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ હોવાનું જણાવાયું નથી.

અહેવાલ મુજબ, હાલમાં અંદાજે 15 ટકા ઇન્વર્ટર API આધારિત ડેટા મોકલવાની ક્ષમતા ધરાવે છે. બાકીના સિસ્ટમ માટે ડોંગલ અથવા ડેટા-લૉગર જેવા વધારાના ઉપકરણોની જરૂર પડી શકે છે.

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 2 કિલોવોટ સુધીની ક્ષમતા માટે પ્રતિ કિલોવોટ 30 હજાર રૂપિયા સુધીની સબસિડી મળે છે, જ્યારે 3 કિલોવોટ કે તેથી વધુ ક્ષમતાવાળા સિસ્ટમ માટે મહત્તમ 78 હજાર રૂપિયા સુધીની કેન્દ્રીય સબસિડીની જોગવાઈ છે.

જો કે, ઉત્પાદન ડેટાની નવી મોનિટરિંગ વ્યવસ્થા અને સબસિડીની પાત્રતા બે અલગ બાબતો છે. માત્ર વીજ ઉત્પાદનની દેખરેખ શરૂ થવાથી સબસિડી હવે ઉત્પાદનના આધારે નક્કી થશે એવું માનવું યોગ્ય નથી.દૈનિક ઉત્પાદનના ડેટાથી સરકારને રૂફટોપ સોલર યોજનાની વાસ્તવિક અસર સમજવામાં મદદ મળશે. સાથે જ ભવિષ્યમાં નીતિ નિર્માણ, રાજ્યોના પ્રદર્શનનું મૂલ્યાંકન અને સોલર કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે પણ આ માહિતી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Published On - 7:02 pm, Thu, 3 September 26