
ભારતની અગ્રણી હોસ્પિટાલિટી કંપની OYO હવે શેરબજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. કંપનીની પેરેન્ટ કંપની Oravel Stays (પ્રિઝમે) દ્વારા આશરે ₹6,650 કરોડના IPOની તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે. આ IPOને SEBI તરફથી અગાઉથી મંજૂરી મળી ચૂકી છે અને હવે કંપની બજારની અનુકૂળ પરિસ્થિતિની રાહ જોઈ રહી છે.

આ IPOમાંથી મળનારી કુલ રકમમાંથી અંદાજે 75 ટકા એટલે કે ₹4,987.5 કરોડનો ઉપયોગ કંપની તેના હાલના દેવાની ચુકવણી માટે કરશે. કંપનીનું મુખ્ય લક્ષ્ય બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવવાનું અને દેવાનો ભાર ઘટાડીને રોકાણકારો માટે વિશ્વસનીય અને નાણાકીય રીતે સ્થિર કંપની તરીકે ઉભરવાનું છે.

OYOના આ જાહેર ઇશ્યૂની ખાસિયત એ છે કે તેમાં માત્ર ફ્રેશ ઇશ્યૂ સામેલ રહેશે. એટલે કે હાલના કોઈપણ શેરધારક Offer for Sale (OFS) દ્વારા પોતાના શેર વેચશે નહીં. જોકે, બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને IPOના અંતિમ કદમાં ફેરફાર થઈ શકે છે. કંપની IPO પહેલાં ₹1,330 કરોડ સુધીના પ્રી-IPO પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી રહી છે. જો આ પ્લેસમેન્ટ સફળ રહેશે તો IPOનું કુલ કદ તે પ્રમાણે ઘટાડવામાં આવી શકે છે.

તાજેતરના વર્ષોમાં OYOની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ નવ મહિના (એપ્રિલથી ડિસેમ્બર) દરમિયાન કંપનીની પેરેન્ટ કંપનીએ ₹6,941 કરોડની ઓપરેટિંગ આવક નોંધાવી હતી. આ જ સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11 ટકા વધીને ₹748 કરોડ સુધી પહોંચ્યો હતો, જે કંપની માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

OYOના ઓપરેટિંગ પ્રદર્શન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2025માં કંપનીનો EBITDA ₹953 કરોડથી વધીને ₹2,127 કરોડ થયો હતો, એટલે કે તેમાં બમણાથી પણ વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે અપવાદરૂપ ખર્ચ, શેર આધારિત ચૂકવણી અને અન્ય આવકને બાદ કરવામાં આવે, ત્યારે પણ કંપનીનો એડજસ્ટેડ EBITDA ₹1,968 કરોડ રહ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે કંપની સતત નફાકારકતા તરફ આગળ વધી રહી છે અને IPO પહેલાં પોતાની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

દેવામાં ઘટાડો અને નફાકારકતામાં સતત વધારો OYO માટે સકારાત્મક સંકેત છે. કંપનીનું માનવું છે કે મજબૂત બેલેન્સ શીટ અને સુધરતી નાણાકીય સ્થિતિ IPO બાદ શેરના પ્રદર્શનને પણ ટેકો આપી શકે છે. જોકે, કોઈપણ IPOમાં રોકાણ કરતા પહેલાં કંપનીના ડ્રાફ્ટ દસ્તાવેજો, જોખમો અને પોતાની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)