
દર મહિનાની પહેલી તારીખની જેમ 1 ઓગસ્ટથી પણ અનેક મહત્વના નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના માસિક બજેટ, ઘરખર્ચ અને નાણાકીય આયોજન પર પડશે. LPG સિલિન્ડરના ભાવ, બેંકિંગ ચાર્જ, આવકવેરા નિયમો અને RBIની નાણાકીય નીતિ સહિત અનેક મહત્વના નિર્ણયો પર સૌની નજર રહેશે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા તણાવને કારણે ગેસના ભાવ પર દબાણ વધ્યું હતું. જોકે હવે વૈશ્વિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો હોવાથી ગ્રાહકોને 1 ઓગસ્ટથી LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડાની આશા છે. જો ભાવમાં ઘટાડો થશે તો તેની સીધી અસર ઘરખર્ચ પર જોવા મળશે.

આ મહિને ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 3થી 5 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. 5 ઓગસ્ટે RBI ગવર્નર રેપો રેટ અંગેનો નિર્ણય જાહેર કરશે. જો રેપો રેટમાં ઘટાડો કરવામાં આવશે તો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMIમાં રાહત મળી શકે છે. બીજી તરફ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજદર પર પણ આ નિર્ણયની અસર પડશે.

પગારદાર કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈએ પૂર્ણ થશે. હવે મોડું રિટર્ન ભરનારાઓને તેમની આવક અનુસાર ₹1,000થી ₹5,000 સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. જ્યારે નાના વેપારીઓ, ફ્રીલાન્સર્સ અને કલમ 44AD તથા 44ADA હેઠળ આવતા કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા બાદ રિટર્ન ભરનારાઓને લેટ ફી ઉપરાંત બાકી ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવું પડશે.

1 ઓગસ્ટથી SEBI ઓપન માર્કેટ શેર બાયબેકની પ્રક્રિયા ફરી શરૂ કરી રહ્યું છે. નવી વ્યવસ્થા મુજબ કંપનીઓ પોતાની ચૂકવેલ મૂડી અને ફ્રી રિઝર્વના મહત્તમ 15 ટકા સુધી શેર બાયબેક કરી શકશે. ઉપરાંત 12 ઓગસ્ટે MSCI ગ્લોબલ ઇન્ડેક્સની ત્રિમાસિક સમીક્ષા થવાની હોવાથી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના રોકાણ પર પણ તેની અસર જોવા મળી શકે છે.

આ મહિને કેટલીક બેંકિંગ સેવાઓ પણ મોંઘી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રાહકોને મોકલાતા SMS એલર્ટ માટે પ્રતિ SMS 30 પૈસા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. તેથી ગ્રાહકોએ પોતાની બેંકના સર્વિસ ચાર્જ અંગે અગાઉથી માહિતી મેળવી લેવી જોઈએ.

બીજી તરફ, 1 ઓગસ્ટથી GST નેટવર્ક ઇ-વે બિલ સંબંધિત નિયમો વધુ કડક બનાવી રહ્યું છે. હવે 'બિલ-ટુ/શિપ-ટુ' ટ્રાન્ઝેક્શનમાં 'શિપ-ટુ' પક્ષનો GSTIN આપવો ફરજિયાત રહેશે. ઉપરાંત, એકવાર ઇન્વોઇસ રેફરન્સ નંબર (IRN) જનરેટ થઈ ગયા બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. 1 ઓગસ્ટથી અમલમાં આવનારા આ તમામ ફેરફારોની સીધી અસર ઘરખર્ચ, લોન, રોકાણ, બેંકિંગ અને ટેક્સ સંબંધિત આયોજન પર પડશે. તેથી સમયસર જરૂરી માહિતી મેળવી અને નાણાકીય આયોજન કરવું દરેક માટે મહત્વપૂર્ણ રહેશે.