
ભીષણ ગરમી બાદ પડેલો વરસાદ રાહત તો આપે છે પરંતુ સાથે ઘણી મુશ્કેલીઓ પણ લઈને આવે છે. ચોમાસાની ઋતુમાં (Rainy season) તડકો ન નીકળવાને કારણે વરસાદમાં ભીની થઈ ગયેલી વસ્તુઓને સૂકવવી મુશ્કેલ બને છે. કપડાં તો વોશિંગ મશીનની મદદથી ડ્રાય કરી શકાય છે પરંતુ અસલી સમસ્યા પગરખાં (જૂતાં) સૂકવવાની હોય છે.

ભીના પગરખાં (Wet shoes) ના કારણે તેને પહેરવા મુશ્કેલ તો બને જ છે, સાથે જ તે ખરાબ થઈ જવાનો પણ ડર રહે છે. જો બે-ત્રણ દિવસ સતત પગરખાં પલળતા રહે, તો ઓફિસ જવા માટે કોઈ પગરખાં બચતા નથી. જો તમે પણ ભીના થઈ ગયેલા પગરખાંને સૂકવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કેટલીક અસરકારક ટિપ્સ જાણવી જરૂરી છે.

ભીના પગરખાંને સૂકવવામાં હેર ડ્રાયર ઉપયોગી સાબિત થઈ શકે છે. સૌથી પહેલા ભીના પગરખાંને કોઈ એવી જગ્યાએ લટકાવી દો, જેથી તેમાંથી પાણી નીકળી જાય. ત્યારબાદ જ્યારે પાણી ટપકવાનું બંધ થઈ જાય, ત્યારે વારાફરતી પગરખાંને ડ્રાયરથી સૂકવો. ડ્રાયરની ગરમ હવાના કારણે ટૂંક જ સમયમાં પગરખાં સુકાઈ જશે અને પહેરવા લાયક બની જશે.

આજકાલ માર્કેટમાં શૂઝ ડ્રાયર પણ આવી ગયા છે. શૂઝ ડ્રાયર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે, તેની મદદથી ભીના પગરખાંને સરળતાથી સૂકવી શકાય છે. ઓનલાઈન સ્ટોર્સ પર અનેક પ્રકારના શૂઝ ડ્રાયર ઉપલબ્ધ છે. જો તમે એવી જગ્યાએ રહો છો, જ્યાં ચોમાસાની ઋતુમાં સતત વરસાદ પડતો રહે છે, તો તમે શૂઝ ડ્રાયર ખરીદી શકો છો.

ભીના પગરખાંને ન્યૂઝ પેપર (છાપા) ની મદદથી પણ સૂકવી શકાય છે. આના માટે પહેલા પગરખાંની અંદર રહેલા કાઢી શકાય તેવા ભાગોને (સોલ વગેરે) અલગ કરીને પંખાની હવામાં મૂકી દો. હવે પગરખાંની અંદર ન્યૂઝ પેપર સારી રીતે ભરી દો. ન્યૂઝ પેપર બધું પાણી શોષી લેશે; થોડીવાર પછી પગરખાંને પંખાની હવામાં મૂકી દો.