
ભારતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પાળતુ પ્રાણીઓ (Pets) રાખતા લોકો માટે તેમની દેખરેખ રાખવી એ એક મોટી જવાબદારી બની જાય છે. ભારે વરસાદ, હવામાં વધતો ભેજ, રસ્તા પરનો કાદવ-કચરો અને આ દિવસોમાં વધતા જીવાતો-બેક્ટેરિયા કૂતરા અને બિલાડીઓ માટે અનેક પ્રકારની બીમારીઓ લઈને આવે છે. વરસાદના દિવસોમાં તમારા વ્હાલા પેટ્સને સ્વસ્થ, સુરક્ષિત અને આરામદાયક રાખવા માટે અહીં 10 સૌથી મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી છે, જે દરેક પેટ ઓનરે જાણવી ખૂબ જ જરૂરી છે.

રહેવાની જગ્યા સૂકી રાખો: તમારા પાળતુ પ્રાણીઓ માટે ઘરની અંદર એકદમ સૂકી અને સ્વચ્છ જગ્યા નક્કી કરો. ચોમાસાના ભેજવાળા વાતાવરણથી તેમને દૂર રાખો. ફંગલ ઇન્ફેક્શન અને ત્વચાના રોગોથી બચાવવા માટે તેમના સૂવાના ગાદલા અને ચાદર નિયમિત સાફ કરો.

નવડાવવા અને સાફ રાખવાની રીત: કૂતરાના વાળ ચોમાસામાં વધુ ગૂંચવાય છે, જેના કારણે ત્વચાની સમસ્યાઓ થાય છે. તેથી તેમને હળવા શેમ્પૂથી નવડાવો અને નવડાવ્યા બાદ શરીર પૂરેપૂરું સૂકવી દો. બિલાડીઓ પોતાનું શરીર જાતે સાફ રાખે છે, પરંતુ જો તે વરસાદમાં ભીની થઈ જાય તો તેને મુલાયમ અને સૂકા ટુવાલથી બરાબર લૂછી લો.

પંજાની ખાસ સંભાળ: ચોમાસામાં રસ્તાઓ કાદવ અને પાણીથી ભરેલા હોય છે, જેના કારણે પંજામાં ઈન્ફેક્શન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. બહારથી આવ્યા પછી તેમના પંજા સાફ પાણીથી ધોઈને લૂછી લો. કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી બચવા માટે ડોક્ટરની સલાહથી પ્રોટેક્ટિવ પો બામ લગાવી શકો છો.

ખોરાક અને પોષણનું ધ્યાન રાખો: ચોમાસામાં પાળતુ પ્રાણીઓની ભૂખ પર અસર પડે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) મજબૂત રાખવા માટે સંતુલિત આહાર આપો. રાંધેલો કે ભીનો ખોરાક લાંબો સમય બહાર ન રાખો, કારણ કે ભેજને લીધે તે બગડી જાય છે અને પેટની બીમારીઓ થાય છે. તેમને હંમેશાં ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું ચોખ્ખું પાણી જ આપો.

કસરત અને ઈન્ડોર એક્ટિવિટી: વરસાદના કારણે કૂતરાઓને લાંબી સેર પર લઈ જવાનું ટાળો, તેના બદલે નાની અને ઓછી સેર કરાવો. ઘરની અંદર જ રમી શકાય તેવા રમકડાંની મદદથી તેમને એક્ટિવ રાખો. બિલાડીઓને પણ ઘરની અંદર જ સ્ક્રેચિંગ પોસ્ટ કે નાની રમતો દ્વારા વ્યસ્ત રાખો.

ટીક અને ચાંચડથી બચાવ: ભેજવાળા વાતાવરણમાં કુતરા-બિલાડીના શરીરમાં ઇતરડી (ટીક્સ) અને ચાંચડ ઝડપથી વધે છે. તેનાથી બચવા માટે વેટરનરી ડોક્ટરની સલાહ લો અને એન્ટી-ટીક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. ઝીણા દાંતાવાળી કાંસકાથી તેમના વાળ નિયમિત ઓળો.

સ્કિન ઇન્ફેક્શનથી રાખો દૂર: હવામાં વધુ પડતા ભેજને કારણે કૂતરાઓમાં લાલ ચકામા અને ફંગલ ઇન્ફેક્શન થવું સામાન્ય છે. તેમના શરીર પર ક્યાંય લાલાશ, ખંજવાળ કે વિચિત્ર ગંધ આવે છે કે નહીં તેની તપાસ કરતા રહો. સમયસર તેમના વાળ ટ્રિમ કરાવો જેથી હવા ભીના વાળને સૂકવી શકે.

કાનની નિયમિત સફાઈ: ચોમાસામાં કાનની અંદર ભેજ જમા થવાથી ઈન્ફેક્શન થવાનું જોખમ ખૂબ વધી જાય છે. નવડાવ્યા પછી કે વરસાદમાં પલળ્યા પછી કાનને અંદરથી બરાબર સૂકવો અને ડોક્ટરે સૂચવેલા ઈયર ક્લીનરથી કાન સાફ રાખો.

વીજળીના કડાકા અને ડરથી સુરક્ષા: વરસાદમાં વીજળીના કડાકા અને વાદળોના ગર્જનાના અવાજથી મોટાભાગના કૂતરા અને બિલાડીઓ ગભરાઈ જાય છે. આવા સમયે ઘરની બારી-બારણાં બંધ રાખો જેથી અવાજ ઓછો આવે. ઘરમાં કોઈ એવી શાંત જગ્યા બનાવો જ્યાં તે સુરક્ષિત અનુભવી શકે. તણાવ ઓછો કરવા શાંત સંગીત પણ વગાડી શકો છો. ગભરાટમાં પ્રાણીઓ ઘરની બહાર ભાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.

રસ્તા પરના રખડતા પ્રાણીઓ અને પાણીજન્ય જોખમો: તમારા પાળતુ કૂતરાને બહાર ફેરવતી વખતે રસ્તા પર જમા થયેલા ગંદા પાણીના ખાબોચિયામાંથી પાણી પીવા ન દો, તેમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે. આ ઉપરાંત, ચોમાસામાં રખડતા કૂતરા અને બિલાડીઓ ઘણીવાર ગાડીઓની નીચે આશરો લેતા હોય છે, તેથી તમારી કાર સ્ટાર્ટ કરતા પહેલાં નીચે એકવાર જરૂર ચેક કરી લો જેથી કોઈ મૂંગા જીવને ઈજા ન પહોંચે. (All Image Credit: AI )