
ઇ.સ. 1270 સુધી, એટલે કે 13મી સદીના અંત સુધીમાં, કંથકોટ વાઘેલા વંશનું પાટનગર તરીકે ઓળખાતું હતું. ઇતિહાસ મુજબ, વાઘેલા વંશના એક પ્રભાવશાળી સરદારે પોતાની પુત્રી મનાજના વિવાહ સામાના પુત્ર સાદ સાથે કર્યો હતો અનેકિલ્લો પણ તેણીને દહેજરૂપે અર્પણ કર્યો હતો. બાદમાં સાદના પુત્ર ફુલે આ કિલ્લાને “કંથદુર્ગ” નામ આપ્યું અને એ નામથી કિલ્લો ઓળખાતો થયો.

ઈસવીસન 1410 દરમિયાન, ગુજરાતના સુલતાન મુઝફ્ફર ( 1390–1411) દ્વારા કંથકોટ કિલ્લા પર હુમલો કરાયો હતો. આ ઘટનાને અનુસરીને કિલ્લાનું શાસન જાડેજા વંશના દેદા રાજપૂતોના હાથમાં આવ્યું.જાડેજા રાજવંશના રાવ રાયધણ રત્નના બીજા પુત્ર દેદાજીનું નામ આ કિલ્લાની સાથે જોડાયેલું છે, કેમ કે તેમના અધીનમાં કંથકોટ આવ્યો હતો.

આગળ ચાલીને 16મી સદીમાં, પ્રસિદ્ધ મુઘલ વઝીર અને ઇતિહાસકાર અબુલ-ફઝલ ઇબ્ન મુબારકે પોતાની રચનામાં કંથકોટને કચ્છના મુખ્ય અને મહત્ત્વના કિલ્લાઓમાંથી એક તરીકે વર્ણવ્યો હતો, જે તેનું ઐતિહાસિક મહત્વ દર્શાવે છે.

ઇ.સ 1816માં બ્રિટિશ સેનાના કર્નલ ઇસ્ટે કંથકોટ કિલ્લા પર હુમલો કરીને તેના બાંધકામ પદ્ધતિનો મોટાપાયે વિનાશ કર્યો હતો. થોડા વર્ષો બાદ, ઈ.સ. 1819માં કચ્છ રાજ્યએ અંગ્રેજ સરકારનું આધિપત્ય સ્વીકારી લીધું. ભારતને સ્વતંત્રતા મળ્યા સુધી કંથકોટનો ઐતિહાસિક કિલ્લો જાડેજા વંશીય શાસકોના નિયંત્રણમાં રહ્યો હતો ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Published On - 6:46 pm, Fri, 25 July 25