
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ની સબસિડિયરી કંપની જિયો પ્લેટફોર્મ્સના IPO ની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટું અપડેટ આવ્યું છે. કંપનીએ બુધવાર, 14 ઓક્ટોબર 2026ના રોજ પોતાના પ્રસ્તાવિત IPO નું રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) દાખલ કરી દીધું છે.

આ IPO માટે સબ્સ્ક્રિપ્શન 21 ઓક્ટોબરથી શરૂ થઈને 23 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. એન્કર રોકાણકારો માટે બોલી લગાવવાની તારીખ 19 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

Jio IPO ની પ્રાઇસ બેન્ડ ₹1,065 થી ₹1,119 પ્રતિ શેરની વચ્ચે હશે, તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો કે, રોકાણ કરતા પહેલા કંપનીના અંતિમ અધિકૃત ઇશ્યૂ પ્રાઇસ અને પ્રાઇસ બેન્ડની પુષ્ટિ જરૂર કરી લેવી. કંપની આ IPO માં 27 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર બહાર પાડવાનું પ્લાન કરી રહી છે.

રોઇટર્સ (Reuters) ના રિપોર્ટ મુજબ, IPO પછી જિયોનું વેલ્યુએશન અંદાજે 10.3 લાખ કરોડ રૂપિયા રહેવાનું લક્ષ્ય છે. આ IPO માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાત્ર શેરધારકો માટે પણ રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. દાખલ કરેલા દસ્તાવેજો મુજબ, પાત્ર શેરધારકો માટે ₹2,500 કરોડ સુધીના શેર રિઝર્વ હશે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે ₹500 કરોડ સુધીનું રિઝર્વેશન પણ રાખવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આનાથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ મુખ્યત્વે ટેલિકોમ કારોબાર સાથે જોડાયેલી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમના દેવાને ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવી શકે છે.

Jioના IPO અંગે રોકાણકારોમાં નોંધપાત્ર રસ જોવા મળી રહ્યો છે. IPO ખુલે તે પહેલાં જ, ગ્રે માર્કેટમાં તેનો GMP 200 ને વટાવી ગયો હતો. IPO વોચ અનુસાર, Jioના IPO માટે GMP હાલમાં 220 છે.

વર્ષ 2025-26માં જિયો પ્લેટફોર્મ્સનો ચોખ્ખો નફો 15 ટકા વધીને ₹30,053 કરોડ થયો. આ સમયગાળા દરમિયાન, કંપનીની વાર્ષિક આવક પણ 14.5 ટકા વધીને ₹1,46,885 કરોડ થઈ. નુવામા રિસર્ચના વિશ્લેષકોનો અંદાજ છે કે, રિલાયન્સ જિયોનો નફો નાણાકીય વર્ષ 2025-26 અને વર્ષ 2029-30 વચ્ચે આશરે 18 ટકાના વાર્ષિક દરે વધી શકે છે.
Published On - 8:19 pm, Wed, 14 October 26