
તાજેતરના દિવસોમાં એક પછી એક મોટા IPO લોન્ચ થઈ રહ્યા છે. એવામાં આ વખતે એક દિગ્ગજ કંપની પણ પોતાનો IPO લઈને આવી રહી છે. આ કંપનીમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધીના સ્ટાર્સે પૈસા લગાવેલા છે.

જણાવી દઈએ કે, આ IPO રોકાણકારો માટે 30 જુલાઈથી ખુલશે અને 1 ઓગસ્ટે બંધ થશે. એવામાં ચાલો જાણીએ કે, આ IPO માં કયા કયા સેલિબ્રિટીઓએ પૈસા લગાવ્યા છે.

શ્રી લોટસ ડેવલપર્સનો IPO ₹792 કરોડનો બુક બિલ્ડિંગ ઈશ્યુ છે. આ સંપૂર્ણ રીતે 5.28 કરોડ શેરનો ફ્રેશ ઈશ્યુ છે. આની પ્રાઈસ બેન્ડ 140 રૂપિયા થી 150 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ ઈશ્યુમાં લોટ સાઈઝ 100 શેર જેટલી છે.

શેરની ક્રેડિટ અને રિફંડ 5 ઓગસ્ટે કરવામાં આવશે. શેરનું સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ 6 ઓગસ્ટે થવાની શક્યતા છે, જેમાં મોનાર્ક નેટવર્ક કેપિટલ અને મોટિલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ મુખ્ય મેનેજર તરીકે રહેશે.

કંપની IPO દ્વારા એકત્ર કરાયેલા ₹550 કરોડનો ઉપયોગ તેની ત્રણ પેટાકંપનીઓ રિચફીલ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ, ધ્યાન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ત્રિક્ષા રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડમાં કરશે. કુલ આશરે 550 કરોડ રૂપિયાનું ફંડ આર્કિટેક્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રોજેક્ટ્સ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

શેરબજારમાં 'બિગ વ્હેલ' તરીકે જાણીતા અનુભવી રોકાણકાર આશિષ કચોલિયાએ કંપનીમાં 50 કરોડ રૂપિયાનો મોટો દાવ લગાવ્યો છે. તેમના ઉપરાંત જગદીશ માસ્ટર અને ડીઆર ચોક્સી ફિનવર્સ જેવા અનુભવી રોકાણકારોએ પણ કરોડોનું રોકાણ કર્યું છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, શાહરૂખ ખાન પાસે આ કંપનીના 6,75,000 શેર છે. 150 રૂપિયાના ઇશ્યૂ ભાવે તેના શેરની અંદાજિત કિંમત 10.1 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન પાસે 150 રૂપિયાના ઇશ્યૂ ભાવે અંદાજિત 6,66,670 શેર છે. કંપનીમાં તેના રોકાણની કિંમત લગભગ ₹10 કરોડ જેટલી છે.

ઋતિક રોશન પાસે 70,000 શેર છે, જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અજય દેવગન, એકતા કપૂર, સારા અલી ખાન, ટાઇગર શ્રોફ અને રાજકુમાર રાવ જેવા બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ કંપનીમાં પૈસા લગાડ્યા છે.