
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલ (IPL) મેચમાં એક અજીબોગરીબ રન આઉટે સૌને હેરાન કરી દીધા હતા. આ મેચમાં 25 કરોડની કિંમત ધરાવતો ખેલાડી ખોટી સમજણના કારણે રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

આ બધા વચ્ચે ભારતના પૂર્વ ઓફ-સ્પિનર હરભજન સિંહે જણાવ્યું કે, કોલકાતા નાઈટ રાઈડર્સનો તેમના સૌથી મોંઘા ખેલાડી કેમેરોન ગ્રીન પરનો ભરોસો કદાચ ખોટો હોઈ શકે છે. સતત બે હાર બાદ આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ જગ્યા બનતી નથી. ગ્રીને પ્રથમ મેચમાં 18 રન બનાવ્યા હતા, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની બીજી મેચમાં તે માત્ર બે રન જ બનાવી શક્યો હતો. હરભજનના મતે, બોલિંગમાં કોઈ યોગદાન આપ્યા વિના KKRનો આ 25.20 કરોડ રૂપિયાનો ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં રહેવાને લાયક નથી.

કેમેરોન ગ્રીને પ્રથમ વખત વર્ષ 2023માં SRH ના બોલરોનો સામનો કર્યો હતો, ત્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમમાં હતો. તે મેચમાં હૈદરાબાદ સામે ગ્રીનનું બેટ જોરદાર ચાલ્યું હતું અને તેણે 40 બોલમાં અણનમ 64 રનની અર્ધસદી ફટકારી હતી. બીજી વખત પણ હૈદરાબાદ સામે ગ્રીન જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને ત્યારે તેણે માત્ર 47 બોલમાં સદી ફટકારીને સૌને હેરાન કરી દીધા હતા. ખાસ વાત એ હતી કે, ત્યારે પણ તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જ રમી રહ્યો હતો અને સદી ફટકારી અણનમ રહ્યો હતો.

ત્રીજી વખત ગ્રીનની જર્સીનો રંગ બદલાઈ ચૂક્યો હતો. વર્ષ 2024માં તે મુંબઈને બદલે RCB ટીમનો હિસ્સો હતો પરંતુ તેનું યોગદાન ખાસ રહ્યું નહોતું. જો કે, કોલકાતાએ આ સીઝનમાં તેને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. અત્યાર સુધીમાં તેણે આઈપીએલમાં કુલ 30 મેચ રમી છે, જેમાં 29 ઇનિંગ્સમાં 40.28ની એવરેજથી 725 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં તેણે 29 ઇનિંગ્સમાં 41.5ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે.

ખાસ વાત એ છે કે, 13 વર્ષમાં પહેલીવાર કોલકાતા નાઈટ રાઈડર્સને સીઝનની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આનાથી હવે તેમના પર ચોક્કસપણે દબાણ વધી રહ્યું છે. લોઅર બેક ઈન્જરી (કમરની ઈજા) માંથી ઉભરી રહેલા કેમેરોન ગ્રીને હજુ સુધી આઈપીએલ 2026 માં બોલિંગ કરી નથી. કેકેઆરની પ્રથમ મેચ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, ગ્રીન થોડા દિવસો પછી જ બોલિંગ કરી શકશે અને ફ્રેન્ચાઈઝી પણ આ બાબત જાણે છે. એસઆરએચ (SRH) સામેની મેચ પહેલા કેકેઆરએ ગ્રીનની બોલિંગનો એક વીડિયો શેર કર્યો હતો, જેને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કદાચ તે મેચમાં બોલિંગ કરશે પરંતુ એવું થયું નહીં.

ગ્રીનના બોલિંગ ન કરવાના કારણે કેકેઆરને એક વધારાનો બોલિંગ વિકલ્પ રાખવો પડી રહ્યો છે. આ સાથે જ ટીમનું કોમ્બિનેશન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે, ગ્રીન ક્યારથી બોલિંગ કરે છે. કોલકાતાએ તેની આગામી મેચ 6 એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામે રમવાની છે.
Published On - 6:52 pm, Fri, 3 April 26