
મિડલ ઇસ્ટમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ તેમજ કાચા તેલના ભાવમાં તેજી વચ્ચે ગ્લોબલ બ્રોકરેજ હાઉસે ભારતીય શેરબજાર અંગેના તેમના અંદાજમાં ફેરફાર કર્યો છે અને નિફ્ટીના ટાર્ગેટ ઘટાડી દીધા છે. અગ્રણી બ્રોકરેજ સિટી (Citi) અને નોમુરા (Nomura) એ નિફ્ટી 50 નો 'ડિસેમ્બર 2026' નો ટાર્ગેટ ઘટાડી દીધો છે. બ્રોકરેજનું માનવું છે કે, તેલના ઊંચા ભાવ, સપ્લાય ચેઇનની સમસ્યાઓ અને ગ્લોબલ ઉતાર-ચઢાવને કારણે બજાર પર દબાણ વધી શકે છે.

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવે ગ્લોબલ બજારની સાથે ભારતીય માર્કેટ પર પણ દબાણ વધાર્યું છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ બ્રોકરેજ સિટી અને નોમુરાએ નિફ્ટી 50 ના 'વર્ષ 2026' ના ટાર્ગેટમાં ઘટાડો કર્યો છે. આગામી સમયમાં બજારની દિશાનો મોટો આધાર તેલના ભાવ, સપ્લાય ચેઇનની સ્થિતિ અને જીઓ-પોલિટિકલ ઘટનાઓ પર રહેશે.

બ્રોકરેજ નોમુરાએ 'ડિસેમ્બર 2026' માટે નિફ્ટી 50 નું લક્ષ્ય 29,300 થી ઘટાડીને 24,900 કરી દીધું છે, જે લગભગ 15% નો ઘટાડો છે. વૈશ્વિક આર્થિક અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ નોમુરાએ ભારતીય શેરબજાર અંગેનો પોતાનો આઉટલુક વધુ સાવધ કર્યો છે. રિપોર્ટ અનુસાર, જો પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થાય છે અને ઊર્જા પુરવઠો (Energy Supply) સામાન્ય થાય છે, તો બજારમાં તેજી પરત ફરી શકે છે. બ્રોકરેજે આ આઉટલુકને “બુલ કેસ” (Bull Case) તરીકે જોયો છે.

બ્રોકરેજનું માનવું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલતો તણાવ અને કાચા તેલના ઊંચા ભાવ ભારતીય અર્થતંત્ર તેમજ બજાર માટે જોખમ વધારી શકે છે. બ્રોકરેજ મુજબ, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં પુરવઠો ખોરવાઈ જવાને કારણે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચી ગયું છે. આ સ્થિતિ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે વિશ્વના 20-25% તેલ અને LNG વેપાર આ માર્ગ પરથી પસાર થાય છે.

એનાલિસ્ટ્સનું કહેવું છે કે, ભારત જેવા દેશો પર આની વધુ અસર પડી શકે છે, કારણ કે દેશ કાચા તેલ, LNG અને LPG માટે આયાત પર ઘણો નિર્ભર છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે, તેલની કિંમતોમાં તીવ્ર વધારો થવાને કારણે ભારતમાં મોંઘવારી વધી શકે છે, આર્થિક વૃદ્ધિ પર તેની માઠી અસર પડી શકે છે અને ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) પર દબાણ વધી શકે છે. નોમુરા (Nomura) ના અંદાજ મુજબ, જો તેલની કિંમતો ઊંચી સપાટીએ જળવાઈ રહેશે, તો નાણાકીય વર્ષ 2027 (FY27) ના કોર્પોરેટ નફાના અંદાજમાં 10-15% સુધીનો ઘટાડો થઈ શકે છે.

બીજી તરફ બ્રોકરેજ સિટી (Citi) એ પણ નિફ્ટી 50 નો ડિસેમ્બર 2026 નો ટાર્ગેટ 28,500 થી ઘટાડીને 27,000 કરી દીધો છે, એટલે કે આશરે 5% નો ઘટાડો કર્યો છે. બ્રોકરેજે બજારના ફોરવર્ડ વેલ્યુએશન મલ્ટિપલને પણ 20 ગણાથી ઘટાડીને 19 ગણા કરી દીધું છે. સિટીએ નોંધ્યું છે કે, યુદ્ધના કારણે ત્રણ મહિના સુધી સપ્લાયમાં અવરોધ આવવાથી જીડીપી (GDP) માં 20-30 bps ના ઘટાડાનું જોખમ છે. નાણાકીય વર્ષ 2027 (FY27) માં મોંઘવારીનું જોખમ ~50-75 bps સુધી વધી શકે છે. રાજકોષીય ખાધ (Fiscal Deficit) નું જોખમ જીડીપીના ~0.1% સુધી વધી શકે છે. તેલના ભાવમાં ઉછાળાને કારણે અલગ-અલગ સેક્ટરોમાં ઘણી સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ રહી છે.

બ્રોકરેજે કાચા તેલની ઊંચી કિંમતો, કોમોડિટી સપ્લાયમાં સંભવિત અવરોધો તેમજ મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ પર વધતા દબાણ જેવા કેટલાક મહત્વના કારણો ગણાવ્યા છે. સિટી (Citi) ના જણાવ્યા અનુસાર, જો બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ જળવાઈ રહેશે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ ભારે દબાણ આવી શકે છે. એવો અંદાજ છે કે, જો તેલનો ભાવ 100 ડોલર થશે તો ઇંધણના ભાવમાં પ્રતિ લિટર અંદાજે ₹10 સુધીનો વધારો થઈ શકે છે, જ્યારે તે 125 ડોલર સુધી પહોંચશે તો આ વધારો પ્રતિ લિટર ₹25 સુધી જઈ શકે છે.

બજારના મોટા ઘટાડામાં નિફ્ટી 50 (Nifty 50) અને નિફ્ટી બેંક (Nifty Bank) બંને તેમની ઓલ-ટાઇમ હાઈ સપાટીથી લગભગ 13% નીચે આવી ગયા છે. છેલ્લા બે અઠવાડિયામાં નિફ્ટી 50 માં આશરે 8% નો ઘટાડો નોંધાયો છે. જો કે, આવો તીવ્ર ઘટાડો છેલ્લા દાયકામાં માત્ર બે વાર (વર્ષ 2020 માં કોવિડ-19 મહામારી દરમિયાન અને વર્ષ 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત સમયે) જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે, ટૂંકાગાળામાં બજારમાં વધુ 5% સુધીના ઘટાડાની શક્યતા નકારી શકાય તેમ નથી, ખાસ કરીને સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં જોખમ વધારે હોઈ શકે છે.

બ્રોકરેજના જણાવ્યા અનુસાર, વર્તમાન માહોલમાં યુટિલિટીઝ, કોલસો, ઓઈલ પ્રોડ્યુસર્સ, ફાર્મા અને હેલ્થકેર, FMCG (સ્ટેપલ્સ) તેમજ ટેલિકોમ જેવા સેક્ટર્સ અન્ય ક્ષેત્રોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરી શકે તેવી અપેક્ષા છે.