
ગરમીમાં વધતા સૂર્યના તીવ્ર કિરણો ત્વચા પર વધુ અસરકારક બનતા જાય છે. ઘણી વખત લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે, પરંતુ યોગ્ય સમય અને યોગ્ય રીત ન હોવાને કારણે તેની પૂરી અસર મળતી નથી. સનસ્ક્રીન માત્ર એક બ્યુટી પ્રોડક્ટ નથી, પરંતુ ત્વચાને સુરક્ષિત રાખવાનું મહત્વપૂર્ણ સાધન છે.

દિવસની શરૂઆતમાં જ સનસ્ક્રીન લગાવવું શ્રેષ્ઠ ગણાય છે. બહાર જવાના લગભગ 15 થી 20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવવાથી તે ત્વચા સાથે સારી રીતે સેટ થઈ જાય છે. જો તમે સવારે જ સનસ્ક્રીન લગાવી લો, તો તે આખા દિવસ દરમિયાન એક પ્રાથમિક રક્ષણ આપે છે. ઘણા લોકો માનતા હોય છે કે માત્ર તડકામાં જ સનસ્ક્રીન જરૂરી છે, પરંતુ હકીકતમાં ઘરમાં હોવા છતાં પણ UV કિરણો સ્કિન સુધી પહોંચી શકે છે. તેથી ઘરેથી બહાર ન જતાં હોવ તો પણ સનસ્ક્રીન લગાવવું યોગ્ય છે.

સનસ્ક્રીન એકવાર લગાવી દેવું પૂરતું નથી. તેની અસર સમય સાથે ઘટે છે, તેથી સામાન્ય રીતે દર 2 થી 3 કલાકે ફરીથી લગાવવું જરૂરી છે, જો તમને વધારે પરસેવો આવતો હોય અથવા તડકામાં લાંબા સમય સુધી રહેવાનું હોય તો વધુ વાર લગાવવું જોઈએ, સ્વિમિંગ કે વોટર એક્ટિવિટીઝ દરમિયાન વોટરપ્રૂફ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો યોગ્ય છે

સનસ્ક્રીનની અસર તેના SPF પર આધારિત હોય છે. રોજિંદા ઉપયોગ માટે SPF 30 અથવા તેથી વધુ યોગ્ય ગણાય છે, વધારે તીવ્ર તડકામાં SPF 50 પસંદ કરવું વધુ સુરક્ષિત છે, તમારી સ્કિન ટાઇપ પ્રમાણે સનસ્ક્રીન પસંદ કરવું જોઈએ.

ઘણા લોકો સનસ્ક્રીન લગાવતા સમયે કેટલીક ભૂલો કરે છે, જેનાથી તેનું પ્રોટેક્શન ઘટી જાય છે: ફક્ત ચહેરા પર જ લગાવવું અને ગળા-હાથને અવગણવું, બહુ ઓછા પ્રમાણમાં સનસ્ક્રીન લગાવવું, એકવાર લગાવીને આખો દિવસ ન લગાવવું. આ બધી ભૂલોને અવગણવી જોઈએ.

ગરમીમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવો એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું પાણી પીવું. જો તમે યોગ્ય સમય પર અને યોગ્ય રીતે સનસ્ક્રીન લગાવો છો, તો તમે ત્વચાને ટૅનિંગ, ડેમેજ અને સમય પહેલાં વૃદ્ધ દેખાવાથી બચાવી શકો છો. રોજિંદા જીવનમાં આ સરળ આદત અપનાવવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ રહી શકે છે. (All Images Credit- Social Media)