
અમદાવાદમાં સ્થિત આ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જૂનો છે, જ્યાં દર વર્ષ ભગવાન પોતે નગરચર્ચાએ નીકળી ભક્તોને દર્શન આપી આશીર્વાદ આપે છે.

સાંભળવામાં આવે છે કે લગભગ બે શતાબ્દી પહેલા, હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની પ્રતિમા સ્થાપી હતી, જે પછી અહીં જગન્નાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.વર્ષ 1878 દરમિયાન નરસિંહદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન થયું હતું.

જગન્નાથ મંદિરના પ્રથમ મહંત હનુમાનદાસજી મહારાજે 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા બાદ તેમની પાછળ સારંગદાસજી, બાગમુકુંદદાસજી, નરસિંહદાસજી, સેવાદાસજી, મહામંડલેશ્વર રામહર્ષદાસજી અને રામેશ્વરદાસજી મહારાજે અનુક્રમે ગાદી સંભાળી હતી. હાલમાં મંદિરની ગાદીપતિ તરીકે દિલિપદાસજી મહારાજ સેવા આપી રહ્યા છે અને સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

નરસિંહદાસજી મહારાજની પ્રેરણાથી પ્રથમ રથયાત્રાનું આયોજન 2 જુલાઈ 1878ના રોજ થયું હતું. ત્યારથી આ યાત્રા પરંપરાગત માર્ગ પરથી અવિરત રીતે અમદાવાદના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે.

શરૂઆતમાં રથયાત્રા બળદગાડાઓ દ્વારા યોજાઈ હતી. અને વર્ષ 1879માં પ્રથમ વખત સરસપુરમાં ભગવાનનું મોસાળું રાખવામાં આવ્યું હતું.આ પાવન યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ શ્રી બલરામ અને બહેન શ્રી સુભદ્રાજી સાથે નગરચર્યા માટે નીકળે છે.જગન્નાથજીનો રથ 'નંદિઘોષ', બલરામજીનો રથ 'તલદ્વજ' અને સુભદ્રાજીનો રથ 'કલ્પદ્વજ' તરીકે ઓળખાય છે.

ભરૂચ જિલ્લાના ખલાસ જાતિના ભક્તોએ રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા રથો નારિયેળના વૃક્ષના લાકડામાંથી બનાવ્યા હતા. આજદિન સુધી આ રથો ચલાવવાની પરંપરા પણ તેમણે જ નિભાવી છે.

વર્ષોથી ભક્તો જગન્નાથ મંદિરની મુલાકાત લેતા રહે છે. રથયાત્રાના પાવન પ્રસંગે દેશના વિવિધ વિસ્તારો તેમજ વિદેશોમાંથી આવેલ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે.જયારે 24 કિલોમીટર લાંબી યાત્રા માટે ભગવાનના રથો માર્ગ પર અગ્રેસર થાય છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર “જય જગન્નાથ”ના ઉદ્ઘોષથી ગુંજી ઉઠે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)