
27 સપ્ટેમ્બર, 2021ના રોજ ખાનગી આરોગ્ય વ્યાવસાયિકો અને સંસ્થાઓને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે અમદાવાદ, સુરત અને મુંબઈમાં ABDM માઇક્રોસાઇટ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના સકારાત્મક પરિણામોને ધ્યાને લઇ સમગ્ર દેશમાં હવે 100 માઇક્રોસાઇટ્સ અમલમાં મુકાઈ છે.

ABDM હેઠળ ઉપલબ્ધ 'સ્કેન અને શૅર' સુવિધાથી આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. રાજ્યની 19 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં નોંધાયેલા નાગરિકો ફક્ત QR કોડ સ્કેન કરીને સહેલાઈથી OPD ટોકન મેળવી શકે છે.

દર્દીની સંમતિ આધારે, ડૉક્ટરો ABHA સાથે જોડાયેલી તમામ ડિજિટલ આરોગ્ય માહિતી તરત જ ઍક્સેસ કરી શકે છે. ‘સ્કેન અને શૅર’ સુવિધાએ માત્ર દર્દીના અનુભવમાં સુધારો કર્યો નથી, પરંતુ આરોગ્યસેવાઓની સમગ્ર પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને અસરકારક પણ બનાવી છે.