
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું તેના શિખર સ્તરથી ઘણું નીચે આવી ગયું છે, જેના કારણે ઘણા લોકો માટે ખરીદીનો મોકો બન્યો છે. પરંતુ હવે સોના અને ચાંદી અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે, જે આવનારા સમયમાં ભાવને ફરી ઊંચે લઈ જઈ શકે છે.

વિશ્વસ્તરે તણાવ, ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચેની સ્થિતિને કારણે સોના અને ચાંદીના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં ભાવોમાં તેજીથી ઘટાડો થયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ ફરી બદલાઈ શકે છે.

તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય બેંકો દ્વારા વિદેશથી સોના અને ચાંદીની આયાત માટેના નવા ઓર્ડર અટકાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળ સ્પષ્ટ સરકારી આદેશ નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે કેટલીક કાનૂની અને નીતિગત અનિશ્ચિતતાઓને કારણે બેંકો હાલ રાહ જોઈ રહી છે. સરકાર તરફથી હજી સુધી કોઈ નવી સૂચના જાહેર કરવામાં આવી નથી.

આ પરિસ્થિતિના કારણે દેશમાં સોનાની સપ્લાય પર અસર પડી શકે છે. ભારત મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, અને સ્થાનિક સ્તરે સોનાનું ઉત્પાદન ખૂબ ઓછું છે. જો આયાતમાં વિલંબ રહેશે, તો બજારમાં અછત સર્જાઈ શકે છે, જેના કારણે ભાવમાં તેજી જોવા મળી શકે છે.

માહિતી મુજબ, કસ્ટમ ક્લિયરન્સમાં વિલંબને કારણે આશરે 5 ટન સોનું અને 8 ટન ચાંદી હાલ અટવાઈ ગયું છે. વેપારીઓ અને બજાર નિષ્ણાતો સરકારના નવા આદેશની રાહ જોઈ રહ્યા છે, જે સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવે છે.

આ પરિસ્થિતિનો પ્રભાવ શેરબજાર પર પણ જોવા મળ્યો છે. ખાસ કરીને જ્વેલરી સેક્ટરની કંપનીઓના શેરોમાં નરમાઈ જોવા મળી છે. હવે અક્ષય તૃતીયા નજીક આવી રહી છે, જે સોનાની ખરીદી માટે ખૂબ મહત્વનો સમય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, સપ્લાય અને માંગ વચ્ચેનું સંતુલન ભાવોને અસર કરી શકે છે.

હાલમાં સોનાના ભાવ તેમના સર્વોચ્ચ સ્તરથી લગભગ ₹50,000 સુધી ઘટ્યા છે, જે રોકાણકારો માટે આકર્ષક તક બની શકે છે. પરંતુ હાલની અનિશ્ચિતતા અને આયાત સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખતા, આવનારા દિવસોમાં ભાવમાં ફરી તેજી આવી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Published On - 3:57 pm, Fri, 17 April 26