
ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-સપ્ટેમ્બર 2025) માં જ, RBI વિદેશથી 64 ટન સોનું પાછું લાવ્યું. RBI ના કુલ Foreign exchange Reserves માં સોનું હવે 13.92% છે, જે માર્ચમાં 11.7% હતું. અગાઉ, RBIનો મોટો હિસ્સો Bank of England અને Bank for International Settlements (BIS) માં રાખવામાં આવતો હતો.

ઘણા નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય વર્ષ 2022માં રશિયાના વિદેશી રિઝર્વ ફ્રીઝ કરવાના બનાવ સાથે જોડાયેલો છે. જોવા જઈએ તો, જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાની સંપત્તિ બ્લોક કરી હતી, ત્યારે અનેક દેશોને સમજાયું કે પોતાનું સોનું પોતાના દેશમાં જ રાખવું વધુ સુરક્ષિત છે.

ઇન્ડસઇન્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ ગૌરવ કપૂર કહે છે કે, “જ્યારે આપણા પાસે સુરક્ષિત સ્ટોરેજની ક્ષમતા છે, ત્યારે સોનું વિદેશમાં શા માટે રાખવું? આ અનિશ્ચિત સમયમાં પોતાના હાથનું સોનું જ સૌથી વિશ્વસનીય સંપત્તિ છે.”

મળતી માહિતી મુજબ, RBI માત્ર સોનું પાછું નથી લાવી રહ્યું પરંતુ વિશ્વના ટોચના સોનાના ખરીદદારોમાં પણ તે સમાયેલ છે. આ પગલાનું મુખ્ય કારણ અમેરિકન ડોલર અને ટ્રેઝરી એસેટ્સ પરની નિર્ભરતા ઘટાડવી હોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, RBI એ અમેરિકન ટ્રેઝરીમાં રોકાણ ઘટાડવાનું કામ ત્યારે શરૂ કર્યું હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લગાવ્યો હતો અને ભારતે રશિયાથી સસ્તુ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું.

RBI ના આ “ગોલ્ડન દાવ” પછી ભારતનું વિદેશી ચલણ ભંડાર (Foreign Exchange Reserves) હવે $702.3 અબજ સુધી પહોંચી ગયું છે, જે વિશ્વમાં ચોથું સૌથી મોટું છે. આ 11 મહિનાથી વધુ સમય માટે આયાતને આવરી લેવા માટે પૂરતું છે. આ નિર્ણય દર્શાવે છે કે, ભારત હવે પોતાની રિઝર્વ રણનીતિમાં આત્મનિર્ભર અને સજાગ બની ગયું છે. RBI નું આ પગલું માત્ર ડોલરના વર્ચસ્વને પડકારતું નથી પરંતુ ભારતની નાણાકીય વ્યવસ્થાની "ગોલ્ડ સિક્યુરિટી પોલિસી" ની શરૂઆત પણ દર્શાવે છે.