
ટ્રાફિક નિયમો રસ્તાઓ પર વ્યવસ્થા જાળવી રાખવા અને લોકોના જીવ બચાવવા માટે બનાવવામાં આવે છે. ભારતમાં ટ્રાફિક નિયમો તોડવા એ સામાન્ય બાબત છે. અહીં અવારનવાર એવા દ્રશ્યો સામે આવે છે, જેમાં લોકો ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા જોવા મળે છે. જોકે, દુનિયામાં દરેક જગ્યાએ આવું નથી. કેટલાક દેશો ટ્રાફિક નિયમોના મામલામાં અત્યંત કડક છે. દુનિયાના ઘણા દેશોમાં વર્ષોથી ટ્રાફિકના ખૂબ જ કડક નિયમો છે. અહીં એવા 5 દેશો વિશે જણાવવામાં આવ્યું છે જેના દંડ વિશે કદાચ તમે જાણતા નહીં હોવ.

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં સીટબેલ્ટ પહેરવો એ માત્ર તમારી મરજીની વાત નથી, પરંતુ કાયદો છે. જો તમે સીટબેલ્ટ લગાવવાનું ભૂલી જાઓ છો, તો તમારે 330 AUD (આશરે 18,000 રૂપિયા) સુધીનો દંડ ભરવો પડી શકે છે. અહીંના અધિકારીઓ તેને માત્ર સજા નથી માનતા, પરંતુ જીવ બચાવવાનો એક માર્ગ માને છે. તેમનો સંદેશ સ્પષ્ટ છે – રસ્તા પર તમારી સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

નોર્વે: નોર્વેમાં સ્પીડ લિમિટનું પાલન ખૂબ જ કડકાઈથી કરવામાં આવે છે. જો તમે નક્કી કરેલી મર્યાદા કરતા માત્ર 20 કિમી/કલાક વધુ ઝડપે ગાડી ચલાવો છો, તો તમને 18 દિવસ સુધીની જેલ થઈ શકે છે. તમે જેટલી વધુ ઝડપે ગાડી ચલાવશો, સજા એટલી જ કડક થતી જશે. આ જ કડકાઈને કારણે નોર્વેમાં રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે.

અમેરિકા: અમેરિકામાં કારમાં બાળકોની સુરક્ષાને સર્વોપરી માનવામાં આવે છે. બાળકો માટે ખાસ ‘સેફ્ટી સીટ’ (Safety Seat) ના નિયમો સમગ્ર દેશમાં ખૂબ જ કડક છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને મોટો દંડ ભરવો પડે છે, સામાજિક સેવા (Social Service) કરવી પડે છે, અથવા સુરક્ષાને લગતા ક્લાસીસ લેવા પડે છે. આ બાબત દર્શાવે છે કે ત્યાં બાળકોનો જીવ કેટલો કિંમતી માનવામાં આવે છે.

યુનાઇટેડ કિંગડમ: યુકે માં ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનને અડકવું પણ ભારે પડી શકે છે. જો તમે ‘હેન્ડ્સ-ફ્રી’ ડિવાઈસ વગર ફોનનો ઉપયોગ કરતા પકડાઈ જાઓ છો, તો તમારા પર £200 (આશરે 21,000 રૂપિયા) નો દંડ લાગશે અને તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાંથી 6 પોઈન્ટ્સ પણ કાપી લેવામાં આવશે. ત્યાંની સરકારનું માનવું છે કે કોઈપણ કોલ કે મેસેજ તમારા જીવ કરતા કિંમતી નથી.

સિંગાપોર: સિંગાપોર તેના કડક નિયમો અને અનુશાસન માટે જાણીતું દેશ છે. ત્યાંની પોલીસ તેજ ગતિની ડ્રાઇવ, રોંગ સાઇડ પાર્કિંગ ઉપર બાજ નજર રાખે છે, અહીંના નિયમો એટલા કડક છે કે લોકો ડરના માર્યા ભૂલ કરતા નથી. આ જ કારણ છે કે સિંગાપોરના રસ્તાઓ દુનિયામાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ત્યાંનો સીધો સાદો નિયમ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.