
વિદેશી રોકાણકારોમાં સૌથી વધુ પસંદગી ધરાવતી ભારતીય કંપની તરીકે HDFC બેંક આગળ આવે છે. વિશ્વના મોટા સોવરિન વેલ્થ ફંડ્સ અને વૈશ્વિક રોકાણ સંસ્થાઓએ આ ખાનગી બેંકમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. સિંગાપોર સરકાર અને નોર્વેની સરકારી પેન્શન ફંડ ગ્લોબલ HDFC બેંકના મુખ્ય શેરધારકોમાં સામેલ છે. મજબૂત બેલેન્સ શીટ, સ્થિર નફાકારકતા અને વિશ્વસનીય મેનેજમેન્ટને કારણે વિદેશી રોકાણકારો માટે HDFC બેંક એક વિશ્વસનીય પસંદગી બની છે.

વિદેશી રોકાણકારોનો રસ માત્ર બેંકિંગ સેક્ટર સુધી સીમિત નથી. FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની ITC પણ વિદેશી રોકાણકારોની પસંદગીમાં સામેલ છે. રાજીવ જૈનની આગેવાની હેઠળની GQG પાર્ટનર્સે ITCને પોતાના પોર્ટફોલિયાનો મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે. લાંબા ગાળાની સ્થિર વૃદ્ધિ, મજબૂત બ્રાન્ડ્સ અને નિયમિત ડિવિડન્ડ ચૂકવણી જેવી વિશેષતાઓ ITCને વિદેશી રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.

HDFC બેંક અને ITC ઉપરાંત, વિદેશી રોકાણકારોએ ઇન્ફોસિસ, મેક્સ હેલ્થકેર, હેવેલ્સ, SRF અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક જેવા શેરોમાં પણ નોંધપાત્ર હિસ્સો જાળવી રાખ્યો છે. વાનગાર્ડ, કેપિટલ ગ્રુપ, નાલંદા કેપિટલ અને અમાન્સા હોલ્ડિંગ્સ જેવી જાણીતી સંસ્થાઓ આ સેક્ટરોમાં સક્રિય છે. આથી સ્પષ્ટ થાય છે કે FIIs ભારતમાંથી સંપૂર્ણપણે બહાર નથી નીકળી રહ્યા, પરંતુ મજબૂત ફંડામેન્ટલ ધરાવતી પસંદગીની કંપનીઓમાં રોકાણ ચાલુ રાખી રહ્યા છે.

વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજારમાં અસ્થિરતા અને ભયનો માહોલ સર્જાયો છે, પરંતુ તેમના ટોચના હોલ્ડિંગ્સ સ્પષ્ટ કરે છે કે તેમને હજુ પણ ભારતની મજબૂત કંપનીઓ પર વિશ્વાસ છે. સામાન્ય રોકાણકારો માટે આ સમય એ સમજવાનો છે કે મંદી અને વેચવાલી દરમિયાન પણ મોટા ખેલાડીઓ કયા શેરોમાં વિશ્વાસ જાળવી રાખી રહ્યા છે.