
નોકરી બદલતા પગારદાર કર્મચારીઓ માટે એક અત્યંત મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના ટેકનિકલ માળખાને વધુ મજબૂત કરવા માટે નવું અને અપગ્રેડેડ ડિજિટલ વર્ઝન 'EPFO 3.0' લોન્ચ કરવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નવી ઓટોમેટિક સિસ્ટમનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ અપગ્રેડેશન પછી હવે જેવી તમે નોકરી બદલશો, તમારું જૂનું પીએફ બેલેન્સ કોઈ પણ પ્રકારની લાંબી પ્રક્રિયા વગર તરત જ નવા એમ્પ્લોયરના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

જો કે, ટેકનોલોજી ભલે ગમે તેટલી ફાસ્ટ થઈ જાય, પરંતુ જો તમારા રેકોર્ડ્સ અને દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ખામી હશે, તો આ ઓટોમેટિક સિસ્ટમ પણ તમારા પૈસા રોકી દેશે. ચાલો જાણીએ કે EPFO 3.0 આવ્યા પછી પણ તમારી કઈ 5 ભૂલો પીએફ ટ્રાન્સફર અટકાવી શકે છે અને તેનાથી કેવી રીતે બચવું.

રેકોર્ડ્સમાં મિસમેચ: નામ અને જન્મતારીખની ભૂલ: પીએફ ટ્રાન્સફર અટકવાનું સૌથી મોટું અને સામાન્ય કારણ કોઈ ટેકનિકલ ખામી નથી, પરંતુ સરકારી દસ્તાવેજોમાં રહેલી ખોટી વિગતો છે. જો તમારા યુએન (UAN), સરકારી ઓળખપત્ર કે પાન કાર્ડ (PAN Card) માં તમારા નામની સ્પેલિંગ અલગ હશે અથવા જન્મતારીખ મેચ નહીં થાય, તો ઈપીએફઓનું ઓટોમેટિક સિસ્ટમ તેને તરત જ રિજેક્ટ કરી દેશે. આથી, નોકરી બદલતા પહેલા જ પીએફ પોર્ટલ પર જઈને ચેક કરો કે બધી જગ્યાએ એક સરખી જ માહિતી નોંધાયેલી હોય.

બે UAN હોવા: નોકરી બદલતી વખતે સૌથી મોટી ગૂંચવણ: ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ કર્મચારી નવી કંપની જોઈન કરે છે, ત્યારે અજાણતામાં તેને એક નવો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) મળી જાય છે. કરિયરમાં એક કરતાં વધુ એક્ટિવ UAN હોવા મોટી મુશ્કેલી ઉભી કરે છે. આવા કિસ્સાઓમાં બંને ખાતાઓને આપસમાં મર્જ કરવા માટે ઈપીએફઓને વધારાનો સમય લાગે છે, જેના કારણે ઇન્સ્ટન્ટ ટ્રાન્સફરની પ્રક્રિયા અટકી જાય છે. જ્યારે પણ નવી નોકરી શરૂ કરો, ત્યારે કંપનીના એચઆર (HR) ને હંમેશા તમારો જૂનો અને એક્ટિવ UAN નંબર જ આપો.

જૂની કંપની દ્વારા 'ડેટ ઓફ એગ્ઝિટ' અપડેટ ન કરવી: નવી ડિજિટલ સિસ્ટમ આવ્યા પછી પણ કંપનીના સ્તરે થતા કામો ખૂબ મહત્વના રહેશે. જ્યાં સુધી તમારી જૂની કંપની ઈપીએફઓ પોર્ટલ પર તમારા નોકરી છોડવાની તારીખ એટલે કે 'Date of Exit' અપડેટ નહીં કરે, ત્યાં સુધી તમારો પીએફ ટ્રાન્સફર પ્રોસેસ શરૂ જ થઈ શકશે નહીં. આ ઉપરાંત વેતન રેકોર્ડમાં કોઈ ભૂલ પણ વિલંબનું કારણ બને છે. તેથી જૂની કંપની છોડતા પહેલા અથવા ફૂલ એન્ડ ફાઇનલ (F&F) સેટલમેન્ટ વખતે જ ખાતરી કરી લો કે કંપનીએ પોર્ટલ પર એગ્ઝિટ ડેટ નાખી દીધી છે.

અધૂરું કેવાયસી (KYC): મોટાભાગના કર્મચારીઓને પોતાના કેવાયસી (KYC) ની યાદ ત્યારે જ આવે છે જ્યારે તેઓ પીએફના પૈસા ઉપાડવાનો કે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે છે. જો તમારું બેંક એકાઉન્ટ, પાન કાર્ડ કે અન્ય ઓળખ વિગતો તમારા UAN નંબર સાથે પ્રોપર લિંક અને વેરિફાઈડ નહીં હોય, તો ઈપીએફઓ તમારી ટ્રાન્સફર રિક્વેસ્ટને હોલ્ડ પર મૂકી દેશે. હવે કેવાયસીની આખી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી નોકરી બદલતા પહેલા જ તમારું કેવાયસી સ્ટેટસ ચેક કરીને તેને અપડેટ કરી લો.

ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરવામાં ભારે વિલંબ કરવો: ઘણા કર્મચારીઓ એવું માનીને બેસી રહે છે કે નવી કંપની જોઈન કરતા જ તેમનું જૂનું પીએફ બેલેન્સ જાતે જ નવા ખાતામાં આવી જશે. ભલે EPFO 3.0 આ પ્રક્રિયાને ખૂબ જ સરળ અને સીમલેસ બનાવી રહ્યું છે, પરંતુ તમારે તમારી બાજુથી પણ એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ વેરિફાઈ કરીને ટ્રાન્સફર રિક્વેસ્ટ સબમિટ કરવામાં બિલકુલ મોડું કરવું જોઈએ નહીં. નોકરી બદલ્યાના ઘણા મહિનાઓ પછી પ્રોસેસ શરૂ કરવાથી રેકોર્ડ્સમાં ગરબડ થવાની શક્યતા વધી જાય છે.