
IPL 2026 ની 69મી મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો. મેચમાં રાજસ્થાન રોયલ્સે 30 રનથી જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું. ટોપ-4માં પહોંચવા માટે રાજસ્થાન માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી અને ટીમે દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું.

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 205 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. જોકે ટીમની શરૂઆત ખાસ સારી રહી નહોતી. યશસ્વી જયસ્વાલ 27 રન બનાવીને આઉટ થયો, જ્યારે વૈભવ સૂર્યવંશી માત્ર 4 રન બનાવી શક્યો. ત્યારબાદ ધ્રુવ જુરેલે 38 રનની ઉપયોગી ઇનિંગ રમી, પરંતુ મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં. કેપ્ટન રિયાન પરાગ પણ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. એક સમયે રાજસ્થાનનો સ્કોર 5 વિકેટે 119 રન હતો અને ટીમ દબાણમાં દેખાઈ રહી હતી.

અહીંથી મેચનો ટર્નિંગ પોઇન્ટ બન્યો જોફ્રા આર્ચરનો ધમાકેદાર કેમિયો. આર્ચરે માત્ર 15 બોલમાં 32 રનની તાબડતોબ ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 1 ચોગ્ગો અને 3 લાંબા છગ્ગાનો સમાવેશ થયો. તેણે 213.33ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી મુંબઈના બોલરો પર દબાણ બનાવી દીધું. આર્ચરની આ ટૂંકી પરંતુ વિસ્ફોટક ઇનિંગે રાજસ્થાનને 200 પાર પહોંચાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી. કહી શકાય કે મુંબઈ માટે હારની શરૂઆત એ જ 15 બોલમાં થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી દીપક ચહર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી, પરંતુ રાજસ્થાનના બેટ્સમેનોએ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવી મેચનો રૂખ બદલી નાખ્યો. ખાસ કરીને આર્ચરની આક્રમક બેટિંગે મુંબઈના બોલિંગ પ્લાનને સંપૂર્ણ રીતે ખોરવી નાખ્યો.

206 રનના લક્ષ્યનો પીછો કરતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી. નિયમિત અંતરે વિકેટ પડતાં રહ્યા અને ટીમ ક્યારેય મેચમાં સંપૂર્ણ રીતે પરત આવી શકી નહીં. રાજસ્થાનના બોલરોએ શાનદાર નિયંત્રણ સાથે બોલિંગ કરી મુંબઈને 30 રનથી હરાવ્યું.

આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે IPL 2026ના પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ હાર સિઝનની સૌથી નિરાશાજનક હારમાંથી એક બની ગઈ.(All Image - BCCI)
Published On - 8:10 pm, Sun, 24 May 26