ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેના અભિયાનની શરૂઆત શુભમન ગિલની સદીની મદદથી જીત સાથે કરી હતી. બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. 129 બોલનો સામનો કરીને શુભમન ગિલે 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા.
જોકે ગિલની આ સદી વન ડે ક્રિકેટ મેચમાં ઘણી ધીમી હતી. તેણે 125 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી. મેચ બાદ તેણે તેનું રહસ્ય પણ ખોલ્યું હતું. તેણે કહ્યું કે તેને ડ્રેસિંગ રૂમમાંથી મેચના અંત સુધી બેટિંગ કરવાનો સંદેશ મળ્યો હતો.
229 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્મા (41) અને શુભમન ગીલની જોડીએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. આ પછી વિરાટ કોહલી (22)એ પણ ગિલને સારો સાથ આપ્યો હતો, પરંતુ કોહલીના આઉટ થતાં જ ભારતને શ્રેયસ અય્યર અને અક્ષર પટેલના રૂપમાં સમયાંતરે વધુ બે ઝટકા લાગ્યા હતા. ત્યારે લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ક્યાંક બાગ્લાંદેશ સામે હારે તો નવાઈ નહીં, પરંતુ ગિલે આવું ના થવા દીધું. તેણે એક છેડો પકડી રાખ્યો હતો અને બીજા છેડે કેએલ રાહુલ આવ્યો અને 41 રનની ઇનિંગ દમદાર રમીને ટીમને જીત અપાવી.
શુભમન ગિલે મેચ બાદ કહ્યું, “એક સમયે અમારા પર થોડું દબાણ હતું. ડ્રેસિંગ રૂમમાંથી સંદેશ મોકલવામાં આવ્યો હતો કે મારે અંત સુધી બેટિંગ કરવાનો પ્રયાસ કરવો પડશે અને મેં તે જ કરવાનો પ્રયાસ કર્યો.
2010 પછી બોલના મામલે ભારત માટે આ ચોથી સૌથી ધીમી સદી છે. આ યાદીમાં સચિન તેંડુલકર અને રોહિત શર્મા પણ સામેલ છે. સચિને 138 બોલમાં સદી ફટકારી હતી. રોહીત શર્માએ 128 બોલમાં સદી ફટકારી હતી. મનોજ તિવારીએ 2011માં 125 બોલમાં અને શુભમન ગીલે પણ 125 બોલમાં બાગ્લાંદેશ સામે સદી ફટકારી હતી. (તસવીર સૌજન્ય-PTI)
Published On - 8:47 am, Fri, 21 February 25