
વૈભવ સૂર્યવંશી BCCI અંડર-19 વન ડે ચેલેન્જર ટૂર્નામેન્ટ દરમિયાન વીવીએસ લક્ષ્મણને મળ્યો હતો. બિહારમાં એક ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ વૈભવને આ મોટા મેદાન પર તક મળી. આ દરમિયાન તેની પ્રતિભા જોઈને લક્ષ્મણે તેને ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની અંડર-19 શ્રેણી માટે પસંદ કર્યો. પરંતુ ઈન્ડિયા B માટે રમાયેલી મેચમાં વૈભવ 36 રન બનાવીને આઉટ થઈ ગયો અને ડ્રેસિંગ રૂમમાં જઈને રડવા લાગ્યો.

વૈભવના કોચ મનીષ ઓઝાએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વૈભવ એક મેચમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ તે ડ્રેસિંગ રૂમમાં રડવા લાગ્યો. જ્યારે લક્ષ્મણે આ જોયું, ત્યારે તે વૈભવ પાસે ગયો અને કહ્યું, "અમે ફક્ત રન જોતા નથી, અમને એવા ખેલાડીઓ જોઈએ છે જે લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરી શકે." લક્ષ્મણે વૈભવની ક્ષમતાને ખૂબ જ વહેલા ઓળખી લીધી હતી અને બાદમાં BCCIએ પણ તેને ટેકો આપ્યો છે.

ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે બે વર્ષ સુધી વૈભવની પ્રગતિ પર નજર રાખી અને પછી રાજસ્થાન રોયલ્સના કોચ રાહુલ દ્રવિડને તેની ભલામણ કરી. લક્ષ્મણની ભલામણને કારણે જ વૈભવને ટીમમાં સ્થાન મળ્યું. આ પછી રાહુલ દ્રવિડે વૈભવને ટ્રેન કરવાનું શરૂ કર્યું.

રાજસ્થાન રોયલ્સનો નિયમિત કેપ્ટન સંજુ સેમસન ઘાયલ થયા બાદ વૈભવે 19 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું અને શાર્દુલ ઠાકુરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પોતાની પ્રતિભા સાબિત કરી.

હવે ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારીને વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયાને પોતાના માટે દિવાના બનાવી દીધી છે. (All Photo Credit : PTI)
Published On - 4:20 pm, Tue, 29 April 25