
ગ્રીને આન્દ્રે રસેલ પર તેની બીજી સિક્સર ફટકારી હતી પરંતુ તે પછીના બોલ પર બોલ્ડ થયો હતો. કોહલીએ લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીના બોલ પર એક સિક્સર અને એક રનની મદદથી 36 બોલમાં સતત બીજી અડધી સદી પૂરી કરી હતી. મેક્સવેલે 12મી ઓવરમાં ચક્રવર્તી પર સતત બે ચોગ્ગા ફટકારીને ટીમના રનની સદી પૂરી કરી હતી. મેક્સવેલ બે જીવનનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને આગામી ઓવરમાં નરિનના બોલ પર રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી રસેલે રજત પાટીદાર (03)ને જ્યારે હર્ષિતે અનુજ રાવત (03)ને આઉટ કરીને આરસીબીનો સ્કોર પાંચ વિકેટે 151 રન સુધી પહોંચાડ્યો હતો. કાર્તિકે આવતાની સાથે જ રસેલ પર બે સિક્સર ફટકારી હતી. ઈનિંગના છેલ્લા બોલ પર રનઆઉટ થતા પહેલા તેણે સ્ટાર્કની બોલ પર સિક્સર પણ ફટકારી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સને ઓપનર ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. સિરાજે પહેલી જ ઓવરમાં 18 રન ગુમાવ્યા હતા. યશ દયાલે બીજી ઓવરમાં 14 રન આપ્યા હતા. ત્રીજી ઓવરમાં અલ્ઝારી જોસેફ સામે 14 રન અને 5મી ઓવરમાં સિરાજ સામે 11 રન બનાવ્યા હતા. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં યશ દયાલે 21 રન ખર્ચ્યા અને KKRનો સ્કોર 6 ઓવર પછી 85 રન થઈ ગયો. પાવરપ્લેમાં આ ટીમનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. 2017માં, KKR એ આ જ મેદાન પર RCB સામે 6 ઓવરમાં 105 રન બનાવ્યા હતા.

જોકે નરિન ફિફ્ટી બનાવી શક્યો નહોતો અને મયંક ડાગરના હાથે બોલ્ડ થયો હતો. તેણે 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. આગળની ઓવરમાં સોલ્ટ 30 રન બનાવીને વિજયકુમારનો શિકાર બન્યો હતો. 9 બોલમાં 2 વિકેટ પડી ગયા બાદ શ્રેયસ અને વેંકટેશ અય્યરે ઇનિંગ સંભાળી હતી. કેપ્ટન શ્રેયસ સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ વેંકટેશે તેની ઈચ્છા મુજબ શોટ રમ્યા હતા. તેણે અલ્ઝારી જોસેફ સામે એક ઓવરમાં 20 રન બનાવ્યા હતા. ત્યારબાદ સિરખ સામેની ઓવરમાં 17 રન બનાવ્યા અને વેંકટેશે 29 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. બંને અય્યરે ત્રીજી વિકેટ માટે 75 રન જોડ્યા હતા. વેંકટેશ 16મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ પછી ટીમને જીતવા માટે માત્ર 16 રનની જરૂર હતી. કેપ્ટન અય્યરે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તે 39 રન બનાવીને અણનમ રહ્યો હતો.