
મહિલા એશિયા કપ 2026ની સેમિફાઇનલમાં ટોસ જીતીને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ શેફાલી વર્માએ એક છેડો સંભાળી રાખ્યો હતો. તેણે મુશ્કેલ પીચ પર આક્રમક બેટિંગ કરીને 40 બોલમાં 64 રન બનાવ્યા.

શેફાલીની ઇનિંગમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, બાંગ્લાદેશની ટીમે તેની ઇનિંગ દરમિયાન ત્રણ કેચ છોડ્યા હતા. શેફાલીના આક્રમક પ્રદર્શનથી ભારત મોટા સ્કોર તરફ આગળ વધ્યું હતું.

શેફાલી સિવાય પ્રતિકા રાવલે 20 રન બનાવ્યા, જ્યારે સ્મૃતિ મંધાના માત્ર 2 રને આઉટ થઈ હતી. અંતિમ ઓવરોમાં રિચા ઘોષે 16 બોલમાં 21 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમના સ્કોરને મજબૂતી આપી હતી.

કેપ્ટન હરમનપ્રીત કૌરે 28 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ પણ માત્ર 6 બોલમાં 13 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ભારતી ફૂલમાલી ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ હતી.

બાંગ્લાદેશ તરફથી સુલતાના ખાતુએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે મારુફા અખ્તર, નાહિદા અખ્તર અને રાબેયા ખાને એક-એક વિકેટ લીધી હતી. હવે બાંગ્લાદેશ સામે સેમિફાઇનલ જીતવા માટે 150 રનનો પડકાર છે. (PC:X/BCCI)
Published On - 10:14 pm, Thu, 10 September 26