
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. જોકે, ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાની સલાહ પર લેવામાં આવેલા એક DRSને કારણે કેપ્ટન શુભમન ગિલનો રિવ્યૂ બગડ્યો હતો.

શ્રીલંકાના કેશરા નુવંતા સામે જાડેજાએ LBWની અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ આપતાં જાડેજાએ ગિલને રિવ્યૂ લેવા કહ્યું. ગિલે વિશ્વાસ રાખીને નિર્ણય લીધો, પરંતુ રિવ્યૂમાં સ્પષ્ટ થયું કે બોલ બેટની ધારને લાગ્યો હતો.

આ રિવ્યૂ નિષ્ફળ જતાં જાડેજાના DRS આંકડા ફરી ચર્ચામાં આવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બોલર તરીકે તેના છેલ્લા 22 DRS રિવ્યૂમાંથી એક પણ સફળ રહ્યો નથી. તેમાંથી ચાર વખત પરિણામ ‘અમ્પાયર્સ કોલ’ રહ્યું હતું, જ્યારે બાકીના રિવ્યૂ પણ ભારતના પક્ષમાં ગયા નહોતા.

જાડેજાનો છેલ્લો સફળ DRS જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટમાં આવ્યો હતો. ત્યારે તેની બોલિંગ પર કેમાર રોચને આઉટ આપવામાં આવ્યો હતો. ત્યારથી બોલર તરીકે જાડેજાની DRS અપીલ સફળ થઈ નથી.

કેપ્ટન તરીકે શુભમન ગિલ માટે આ આંકડા મહત્વપૂર્ણ છે. રિવ્યૂ લેતી વખતે માત્ર એક ખેલાડીની સલાહ પર આધાર રાખવાને બદલે ગિલે પરિસ્થિતિ અને અન્ય ખેલાડીઓની સલાહને પણ ધ્યાનમાં લેવી પડશે. ખાસ કરીને મહત્વની ક્ષણે DRS ગુમાવવાથી મેચ પર તેની સીધી અસર પડી શકે છે. (PC:PTI/X)