
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે એ અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટનશીપ શુભમન ગિલને આપવામાં આવશે. પરંતુ હવે આ રેસમાં રવીન્દ્ર જાડેજાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ આપવાની માંગ કરવામાં આવી રહી છે.

આર અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ 'એશ કી બાત' પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ, ઈંગ્લેન્ડ પ્રવાસ અને રોહિત અને વિરાટની ગેરહાજરી વિશે વાત કરી છે. આ દરમિયાન તેણે રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવાનું સૂચન કર્યું હતું.

અશ્વિને કહ્યું, "ભૂલશો નહીં કે જાડેજા ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. તેની સાથે વાતચીત થવી જોઈએ. જાડેજા આ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે બે વર્ષ સુધી કેપ્ટનશીપ સંભાળી શકે છે. આ દરમિયાન, ગિલ જાડેજાના નેતૃત્વમાં વાઈસ કેપ્ટન તરીકે પણ રમી શકે છે."

અશ્વિનના મતે, શુભમન ગિલમાં ઘણી પ્રતિભા છે. પણ તેને હજુ બહુ અનુભવ નથી. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં, ટીમના સૌથી અનુભવી ખેલાડી રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછા આગામી બે વર્ષ માટે કેપ્ટનશીપ માટે વિચારી શકાય છે.

અશ્વિને માત્ર રવીન્દ્ર જાડેજા જ નહીં પરંતુ શુભમન ગિલ, રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના નામ પણ કેપ્ટન તરીકે સૂચવ્યા હતા. (All Photo Credit : PTI)