
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચથી શરૂ થયેલી રોમાંચક સ્પર્ધા પાંચમી મેચ સુધી પણ ચાલુ રહી. લંડનના ઓવલ ખાતે રમાય રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી, જ્યાં પહેલા બે દિવસમાં બંને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું. પરંતુ ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મજબૂત શરૂઆત કરી અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આનો સાક્ષી રહ્યો, જે ટીમને ટેકો આપવા સ્ટેડિયમ પહોંચ્યો.
ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગને આગળ વધારી હતી. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડથી 23 રન પાછળ રહ્યા બાદ, ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે 2 વિકેટ ગુમાવ્યા બાદ 75 રન બનાવ્યા. ત્રીજા દિવસે, યશસ્વી જયસ્વાલ અને નાઈટ વોચમેન આકાશ દીપે ઈનિંગ આગળ વધવાનું શરૂ કર્યું. બીજી તરફ, મેદાન પર બંને ખેલાડીઓ બાઉન્ડ્રી ફટકારીને ટીમ ઈન્ડિયાનો સ્કોર ઝડપથી વધારી રહ્યા હતા, જ્યારે રોહિત શર્મા પણ કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં પ્રવેશી રહ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અન્ય ચાહકોની જેમ પોતાની ટિકિટ બતાવીને સ્ટેડિયમમાં પ્રવેશ કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગયો અને ભારતીય ચાહકો પણ તેને જોયા પછી ખુશ થઈ ગયા. વાસ્તવમાં, રોહિત છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુરોપમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો હતો અને થોડા દિવસો માટે ઈંગ્લેન્ડમાં પણ હતો. પરંતુ આ પહેલીવાર હતું જ્યારે તે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો.
#WATCH | United Kingdom | Indian Cricketer Rohit Sharma arrives at The Oval in London for #INDvsEND Fifth Test Day 3 match. pic.twitter.com/rM6MXMsazd
— ANI (@ANI) August 2, 2025
રોહિત શર્માની એન્ટ્રીથી ભારતીય ચાહકોમાં ઓવલ ટેસ્ટ જીતવાની આશા ફરી જાગી કારણ કે તેને આ મેદાન પર ટીમ ઈન્ડિયા માટે શુભ શુકન માનવામાં આવે છે. હકીકતમાં, જ્યારે ટીમ ઈન્ડિયાએ છેલ્લે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે આ મેદાન પર રોહિતનો જલવો જોવા મળ્યો હતો. 2021માં રમાયેલી ઓવલ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં રોહિત શર્માએ યાદગાર સદી ફટકારી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી અને શ્રેણીમાં લીડ મેળવી. 50 વર્ષ પછી આ મેદાન પર ટીમ ઈન્ડિયાની આ પહેલી જીત હતી.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહ એશિયા કપમાં નહીં રમે? આ કારણોસર ટુર્નામેન્ટમાંથી થઈ શકે બહાર