રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય બેટિંગ ખૂબ જ નબળી રહી, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં વાપસી કરવામાં સફળ રહી.
ઈંગ્લેન્ડને શ્રેણીની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી ખૂબ જ સારી બોલિંગ જોવા મળી હતી અને ભારતીય બેટ્સમેનો રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ઓપનર બેન ડકેટે 28 બોલમાં 51 રન બનાવ્યા હતા. જ્યારે લિયામ લિવિંગસ્ટને પણ 24 બોલમાં 43 રનની તોફાની ઈનિંગ રમી હતી.
ભારત તરફથી વરુણ ચક્રવર્તી સૌથી સફળ બોલર રહ્યો હતો. વરુણ ચક્રવર્તીએ પોતાની 4 ઓવરના સ્પેલમાં 6.00ની ઈકોનોમી સાથે માત્ર 24 રન આપ્યા અને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા પણ 2 બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. આ સિવાય રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલે 1-1 સફળતા મેળવી હતી.
172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી હતી. ઓપનર સંજુ સેમસન 6 બોલમાં માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ સાથે જ અભિષેક શર્મા પણ 14 બોલમાં 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ વખતે પણ માત્ર 14 રન સુધી જ પહોંચી શક્યો હતો.
તિલક વર્માએ 14 બોલમાં 18 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ 35 બોલમાં 40 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદરે પણ 6 રન અને અક્ષર પટેલે માત્ર 5 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 145 રન બનાવી શકી હતી અને 26 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. (All Photo Credit : PTI)