ભારત-ઈંગ્લેન્ડ સિરીઝમાં અંતિમ ટેસ્ટ રમશે આ ચાર સ્ટાર ખેલાડીઓ ! જાણો કોણ લઈ શકે છે સંન્યાસ
25 જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પાંચ મેચની આ સિરીઝ ચાર ખેલાડીઓની અંતિમ ટેસ્ટ સિરીઝ સાબિત થઈ શકે છે. આ ચાર ખૂબ જ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફોર્મ અને ફિટનેસના કારણે ટીમથી બહાર પણ થયા છે. એવામાં આ ટેસ્ટ સિરીઝ બાદ તેઓ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ શકે છે.
1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવવા અને પોઈન્ટ ટેબલમાં સ્થાન મજબૂત કરવા માટે તો મહત્વપૂર્ણ છે જ. સાથે જ આ સિરીઝ કદાચ કેટલાક સ્ટાર ક્રિકેટરોની ફેરવેલ સિરીઝ (અંતિમ સિરીઝ) પણ બની શકે છે. ભારત અને ઈંગ્લેન્ડના ચાર સ્ટાર ખેલાડીઓ આ સિરીઝ બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. આ ખેલાડીઓના નામો સાંભળી ભારતીય ફેન્સને શોક (આઘાત) લાગી શકે છે.
2 / 5
જેમ્સ એન્ડરસન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ જે ખેલાડીના રિટાયરમેન્ટ લેવાના ચાન્સ સૌથી વધુ છે એ છે જેમ્સ એન્ડરસન. ઈંગ્લેન્ડના આ લેજન્ડરી ફાસ્ટ બોલરે ટેસ્ટ ક્રિકેટમાં કમાલ-ધમાલ પ્રદર્શન કર્યું છે અને ફાસ્ટ બોલિંગને અલગ જ લેવલ પર લઈ ગયો છે. એન્ડરસને 183 ટેસ્ટમાં 690 વિકેટ ઝડપી છે. તે સચિન તેંડુલકર બાદ સૌથી વધુ ટેસ્ટ રમનાર ક્રિકેટર છે. સાથે જ તે મુરલીધરન અને શેન વોર્ન બાદ સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. એન્ડરસનને 700 ટેસ્ટ વિકેટ પૂર્ણ કરવા માટે માત્ર 10 વિકેટની જરૂર છે. આ સિરીઝમાં 700 વિકેટનો માઈલ્સટોન હાંસલ કરી સંન્યાસ લઈ શકે છે.
3 / 5
રવિચંદ્રન અશ્વિન: આ લિસ્ટમાં બીજો ખેલાડી છે ભારતનો સૌથી અનુભવી બોલર રવિચંદ્રન અશ્વિન. અશ્વિન છેલ્લા એક વર્ષથી ભારતીય ટીમની પ્લેઈંગ 11માં સ્થાન મેળવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. એ વાતમાં કોઈ શંકા નથી કે અશ્વિન વર્તમાન સમયનો ભારતનો સૌથી સફળ સ્પિનર છે, પંરતુ તેની વધતી ઉંમર અને યુવા સ્પિનરોના સતત સારા પ્રદર્શનના કારણે અશ્વિનનું ટીમમાં સ્થાન હવે ફિક્સ રહ્યું નથી. એવામાં તે આ સિરીઝ બાદ નિવૃત્તિ જાહેર કરી શકે છે. અશ્વિને 95 ટેસ્ટમાં 490 વિકેટ ઝડપી છે. તે 100 ટેસ્ટ રમવાથી માત્ર પાંચ ટેસ્ટ અને 500 વિકેટ લેવાથી માત્ર 10 શિકાર જ દૂર છે.
4 / 5
રોહિત શર્મા: ભારતીય કેપ્ટન રોહિત શર્મા જેટલો ODI અને T20માં સફળ થયો છે એટલો ટેસ્ટમાં નથી થયો. રોહિતે અત્યારસુધી 54 ટેસ્ટમાં 10 સદીની મદદથી 3737 રન બનાવ્યા છે. તે કેપ્ટન અને બેટ્સમેન તરીકે ચોક્કસથી સફળ રહ્યો છે, પરંતુ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતાડવામાં તે નિષ્ફળ રહ્યો છે. રોહિતે હાલ જ T20 ફોર્મેટમાં લાંબા સમય બાદ કમબેક કર્યું છે અને હવે તેની નજર T20 વર્લ્ડ કપ પર છે. એવામાં તે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી બ્રેક લઈ શકે છે.
5 / 5
વિરાટ કોહલી: વિરાટ કોહલી વર્તમાન સમયનો સૌથી બેસ્ટ બેટ્સમેન છે. વિરાટની ફિટનેસ અને ફોર્મ બંને શાનદાર છે. છતાં વિરાટ પણ રોહિતની જેમ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં વધુ સફળ થવા અને ભારતને ચેમ્પિયન બનાવવા ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લઈ શકે છે. કોહલીએ 113 ટેસ્ટમાં 29 સદીની મદદથી 8848 રન બનાવ્યા છે. વિરાટ ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ભારત તરફથી સતત ક્રિકેટ રમી રહ્યો છે અને વ્યસ્ત શેડ્યૂલના કારણે રોહિતની જેમ વિરાટ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.