
ધ ટેલિગ્રાફને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફીને હાઈબ્રિડ મોડલમાં આયોજિત કરવાની ફરજ પાડવામાં આવશે, તો તે આગામી બે મોટી ટૂર્નામેન્ટ માટે પણ આ જ માંગ કરશે.

સૂત્રોનું માનીએ તો PCBએ ધમકી આપી છે કે ભવિષ્યમાં તે મહિલા વનડે વર્લ્ડ કપ માટે તેની ટીમ ભારત નહીં મોકલે. આ માટે પણ હાઈબ્રિડ મોડલ ICCને અપનાવવું પડશે. આ સિવાય તે T20 વર્લ્ડ કપ 2026ની તમામ મેચો ભારતમાં નહીં પરંતુ શ્રીલંકામાં રમશે.

જો આ બંને ટૂર્નામેન્ટમાં તેની હાઈબ્રિડ મોડલની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે પોતાનું નામ પાછું ખેંચી લેશે. તમને જણાવી દઈએ કે PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ હાલમાં જ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કડક શબ્દોમાં કહ્યું હતું કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો પાકિસ્તાની ટીમ પણ ભારત નહીં આવે.

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડલમાં યોજવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય વિકલ્પો પણ છે. અમારા માટે ભારતીય ખેલાડીઓની સુરક્ષા પ્રાથમિકતા છે, તેના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યારે વાતચીત ચાલી રહી છે, જ્યારે બધું ફાઈનલ થશે ત્યારે અમે તમને જણાવીશું. (All Photo Credit : PTI / AFP)