
IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે. ટુર્નામેન્ટ પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. અહેવાલો મુજબ પેટ કમિન્સની ગેરહાજરીમાં અભિષેક શર્માને શરૂઆતની કેટલીક મેચોમાં ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવામાં આવી શકે છે.

પેટ કમિન્સ હાલમાં પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે. તે લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને આ ઈજાના કારણે તેને કેટલાક મહત્વપૂર્ણ મુકાબલા પણ ગુમાવવા પડ્યા છે. આ કારણસર તે IPL 2026ની શરૂઆતની મેચોમાં રમે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.

જો કમિન્સ સમયસર ફિટ ન થાય તો ટીમ મેનેજમેન્ટ અભિષેક શર્માને તાત્કાલિક કેપ્ટન બનાવવાનો નિર્ણય લઈ શકે છે. કમિન્સ ટીમમાં પાછા ફર્યા બાદ ફરીથી કેપ્ટનશીપ સંભાળી શકે છે. એટલે કે અભિષેકને શરૂઆતના તબક્કામાં ટીમનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે.

અભિષેક શર્માને કેપ્ટન બનાવવાનું એક મોટું કારણ તેનું સતત સારું પ્રદર્શન અને વધતી લોકપ્રિયતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ભારતીય ક્રિકેટમાં ઝડપથી સફળ અને ફેમસ થતા ખેલાડી તરીકે સામે આવ્યો છે. આ કારણે ટીમ મેનેજમેન્ટને તેના પર વિશ્વાસ છે.

IPLમાં અભિષેક શર્માએ અત્યાર સુધી 77 મેચ રમી છે. આ મેચોમાં તેણે 27.10ની સરેરાશથી 1816 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 160થી વધુ છે, જે તેમને T20 ક્રિકેટમાં ખતરનાક બેટ્સમેન બનાવે છે. IPL કારકિર્દીમાં તેણે એક સદી અને નવ અડધી સદી ફટકારી છે.

T20I ક્રિકેટમાં પણ અભિષેક શર્માનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી રહ્યું છે. તેણે 45 ઈનિંગ્સમાં 33થી વધુની સરેરાશથી 1438 રન બનાવ્યા છે અને બે સદી ફટકારી છે. તેનો 190થી વધુનો સ્ટ્રાઈક રેટ તેની આક્રમક બેટિંગની સાબિતી આપે છે. હવે જોવું રહ્યું કે IPL 2026માં તે ટીમનું નેતૃત્વ અને પોતાની બેટિંગ બંનેમાં કેવું પ્રદર્શન કરે છે. (PC:PTI/X)