
કોલંબો ટેસ્ટની પહેલી ઇનિંગમાં પાસિન્દુ સૂર્યબંદારાએ શાનદાર બેટિંગ કરી હતી. ચોથા નંબર પર ઉતરેલા સૂર્યબંદારાએ ભારતીય બોલરોનો મજબૂતીથી સામનો કર્યો અને પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. એક સમયે એવું લાગી રહ્યું હતું કે તે પોતાની બીજી ટેસ્ટ ઇનિંગમાં જ સદી ફટકારી દેશે.

જોકે, સૂર્યબંદારાની સદીની આશા 45મી ઓવરના છેલ્લા બોલે તૂટી ગઈ. રવિન્દ્ર જાડેજાએ એવો બોલ ફેંક્યો, જે બેટની અંદરની ધારને લઈને સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો. સૂર્યબંદારા 80 રનના સ્કોર પર બોલ્ડ થયો અને સદીથી માત્ર 20 રન દૂર રહી ગયો.

આ વિકેટ જાડેજા માટે ખાસ હતી, કારણ કે તેણે સાત દિવસ પહેલા મળેલી વિકેટનો જાણે બદલો લઈ લીધો હતો. અગાઉની ટેસ્ટમાં સૂર્યબંદારાએ જાડેજાનો શાનદાર કેચ પકડ્યો હતો અને ત્યારબાદ આક્રમક રીતે ઉજવણી પણ કરી હતી. હવે જાડેજાએ બોલિંગમાં જવાબ આપીને તેનો હિસાબ બરાબર કર્યો હતો.

સૂર્યબંદારા ઉપરાંત સોનલ દિનુષાએ પણ શ્રીલંકા માટે મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ત્રીજા દિવસની રમતના અંતે દિનુષા 85 રને અણનમ હતો. આ શ્રેણીમાં તેની સતત ત્રીજી 50થી વધુ રનની ઇનિંગ હતી અને તેની પાસે વધુ એક મોટી ઇનિંગ રમવાની તક હતી.

શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 265 રન બનાવ્યા હતા. સૂર્યબંદારાની 80 રનની ઇનિંગ ટીમ માટે મહત્વપૂર્ણ રહી, પરંતુ જાડેજાએ તેની સદીનું સપનું તોડી નાખ્યું. ભારત પાસે શ્રીલંકાની ઇનિંગ બાદ 238 રનની લીડ હતી, જેના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત બની હતી. (PC:PTI/X)