
ભારત અને શ્રીલંકા વચ્ચેની ગાલે ટેસ્ટમાં ચોથા દિવસે રોમાંચક રમત વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક ઘટના બની. શ્રીલંકાની ઇનિંગ દરમિયાન શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ધ્રુવ જુરેલને ઈજા થતાં તેને મેદાન છોડવું પડ્યું.

શ્રીલંકાની 28મી ઓવરમાં માનવ સુથાર બોલિંગ કરી રહ્યો હતો. તેના બોલ પર સોનલ દિનુષાએ જોરદાર શોટ રમ્યો, પરંતુ શોર્ટ લેગ પર ખૂબ નજીક ઊભેલા જુરેલના પગના નીચેના ભાગ અને ઘૂંટી પાસે બોલ વાગ્યો.

બોલ વાગતાં જ જુરેલ પીડાથી મેદાન પર બેસી ગયો. ટીમના ફિઝિયો તરત જ તેની પાસે પહોંચ્યા અને તપાસ કરી. શિન પેડ્સ દૂર કર્યા બાદ પણ દુખાવો યથાવત રહેતાં જુરેલ સાથી ખેલાડીઓ અને ફિઝિયોની મદદથી લંગડાતો મેદાનની બહાર ગયો.

જુરેલની ઈજા ભારત માટે ચિંતાજનક છે, કારણ કે તેણે પ્રથમ ઇનિંગમાં 51 રનની મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી હતી. તે ટીમ માટે બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગ અને ફિલ્ડિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

જો જુરેલ આગળની મેચમાં ભાગ ન લઈ શકે તો સાઈ સુદર્શનના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા સરફરાઝ ખાનને ગાલે ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. (PC:X/SONY LIV)